Mysamachar.in-અમદાવાદ:
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, તે ઉક્તિ વધુ એક વખત સાર્થક થતી જોવા મળી છે, લૉકડાઉનનાં કારણે હાલમાં કેટલાય શ્રમિકો ચલતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની ઘટનાઓ તો બહુ જોવા મળી, પરંતુ એક મિસકોલ થી પ્રેમમાં પડેલ પોતાની પ્રેમિકાને મળવા અમદાવાદથી વારાણસી યુવક ચાલતો ગયો હોવાનો કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. અમદાવાદમમાં રહેતો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે વારાણસી સુધી પગપાળા ગયો. બીજી બાજુ તેની પ્રેમિકા પણ યુવકને મળવા પોતાના ઘરેથી ભાગીને એક ગામમાં પહોંચી હતી. જેથી યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતા બંન્ને જણા પકડાય ગયા છે.
વાત એવી છે કે વારાણસીના પોલીસ સ્ટેશનમાં પરિવારે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીનો મોબાઈલ નંબરનાં આધારે તેને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ યુવતીનું લોકેશન વારાણસીના લંકા વિસ્તારમાં મળ્યું હતું. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવક અને યુવતી તે જ ગામમાંથી મળી આવ્યાં હતાં. જ્યારે બંન્નેની પોલીસે પૂછપરછ કરી ત્યારે આખી હકિકત સામે આવી હતી. યુવકે જણાવ્યું હતું કે તે બંન્ને વચ્ચે માત્ર એક મિસ કોલથી સંબંધની શરૂઆત થઇ હતી જે પ્રેમમાં પરિણમી છે. તેણે પ્રેમિકાને કહ્યું હતું કે આપણે મળીશુ, તેથી અમદાવાદથી ચાલતો અહીં આવ્યો છે.
લૉકડાઉનને કારણે અમે મળી શકતા ન હતા જેથી અમે આવો પ્લાન બનાવ્યો હતો. યુવકને આટલું અંતર કાપતા બે સપ્તાહ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે યુવતીએ પણ જણાવ્યું કે, ગયા મંગળવારે યુવતી સાઈકલ લઈને પોતાના ઘરેથી સાંજે નીકળી ગઈ હતી. એક ગામમાં સાઈકલ મૂકીને અમદાવાદથી આવેલા પ્રેમીને મળવા માટે ગઈ હતી. આ અંગે સ્થાનિક પોલીસ પાસેથી મળતી જણકારી પ્રમાણે, 5 મહિના પહેલા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકનું વતન પણ વારાણસી છે પણ કામ માટે તે અમદાવાદમાં વસ્યો છે. આ બંન્નેને હાલ છોડી મુક્યા છે. જોકે, લૉકડાઉનને કારણે હવે તે પરત જઈ શકે એમ ન હતો એટલા માટે વારાણસીમાં જ રોકાઈ ગયો છે. જ્યારે યુવતીને પરિવાર સમજાવીને ઘરે લઇ ગયા છે.