Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ પર ગુપ્તતા અને જાસુસી અંગેના અનેક આરોપો લાગ્યા છે, વોટ્સએપ આ દિશામાં સતત પગલા લઇને અપડેશન કરતું રહ્યું છે. ત્યારે યૂઝર્સના મેસેજની ગુપ્તતા જાળવવા માટે ટુંક સમયમાં જ નવું ફિચર ઉમેરવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચરનું નામ સેલ્ફ ડિસ્ટ્રક્ટીંગ મેસેજ રાખવામાં આવ્યું છે. જેમાં યૂઝર્સ દ્વારા મોકલાતા મેસેજ ઓટોમેટિક 5 સેકન્ડથી 60 મિનિટ સુધીમાં આપમેળે ડિલીટ થઇ જશે. યૂઝર્સ પોતે મોકલેલો મેસેજ કેટલા સમયમાં ડિલીટ થઇ જશે તે જાતે જ નક્કી કરી શકશે. ચેટ વધુ ગુપ્ત બનાવવા માટે તથા બીજી કોઇ જગ્યાએ સર્વર પર મોકલેલો મેસેજની નોંધ ના રહે તે માટે આ ફિચર વધુ કારગર નીવળી શકે છે. તો મેસેજ રુપે મોકલેલ પાસવર્ડ, પિન નંબર, ઓટીપી અને એકાઉન્ટ નંબરને સુરક્ષિત બનાવવા માટે આ ફિચર ઉપયોગી થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. સાયબર એકસપર્ટનું માનવું છે કે વોટસએપ પર મેસેજ ઇન્ક્રીપ્શન રુપે હોય છે, તેથી મેસેજની સુરક્ષા તો છે જ. પણ ફેક મેસેજને કઇ રીતે ઓળખવા તે જરુરી છે અને તે માટે નક્કર કાર્ય થવું જોઇએ. સોશિયલ મીડિયા પર ફેક મેસેજ વાયરલ થવાની સમસ્યા સૌથી મોટી છે તેના પર લગામ લગાવવાની ખાસ જરૂર છે.

























































