Mysamachar.in-અમદાવાદઃ
જેમ જેમ ઓનલાઇન બેંકિંગનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ ઠગ ટોળકી પણ એક્ટિવ થઇ ગઈ છે. તો બેંક ખાતામાંથી જાણ બહાર પૈસા ઉપાડી લેવાની અનેક ફરિયાદો થઇ રહી છે, ત્યારે આ અંગે અમદાવાદની નારોલ પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે મુંબઇથી આવતા બે શખ્સોની અટકાયત કરી છે. બાદમાં મૂળ હરિયાણા એવા અજયસિંહ દહિયા અને ભુપેન્દ્રસિંહ જાટ નામના આ બંને શખ્સની પોલીસે ઝડતી લેતા તેમની પાસેથી 45 એટીએમ કાર્ડ, તેમના નકલી આધારકાર્ડ મળી આવ્યા છે. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી મુંબઇની ગેંગ નકલી ATM કાર્ડ અને આધારકાર્ડની મદદથી બારોબાર પૈસા કાઢી લેતી હતી,
હવે આ ગેંગના બે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ વિવિધ બેંકના ગ્રાહકોનો ડેટા મેળવ્યા બાદ આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરી ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબર નોંધી લઇ આબેહુબ ડુપ્લિકેટ કાર્ડ બનાવી લેતા. જો કે આરોપીઓ ગ્રાહકોના ડેટા ક્યાંથી મેળવતા અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું, આટલા મોટા પ્રમાણમાં કાર્ડનો જથ્થો લઇને ગુજરાત શા માટે આવ્યાં અને ગેંગમાં કેટલા સભ્યો કાર્યરત છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો સમગ્ર રેકેટનો પર્દાફાશ થશે તો લાખો-કરોડો રૂપિયાની છેતરપીંડિ બહાર આવવાની શક્યતા છે.