Mysamachar.in-અમદાવાદ:
લગ્ન એટલે પતિ પત્ની અને બે પરિવાર વચ્ચે નવો સંબંધ બંધાય છે. પરંતુ જો આ પવિત્ર સંબંધમા લાલચ આવે એટલે લાગણી ભર્યા સંબંધ ભાંગી પડે છે, આવી એક ઘટના અમદાવાદમા સામે આવી છે, અહી દહેજના લાલચુ સાસરિયાએ હજુ તો લગ્ન થયા પણ નહોતા ત્યાં જ પોતાની માનસિકતા છતી કરી દીધી. સાસરિયા તરફથી થાનાર પુત્રવધુ પાસેથી દહેજ માગી ધમકી આપવામાં આવી, અંતે કંટાળી યુવતીએ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાત એવી છે કે શહેરમા આવેલા વસ્ત્રાલ વિસ્તારમા રહેતી યુવતી જે જાણીતી ફાર્મા કંપની જોબ કરે છે, તેની અમદાવાદમા જ રહેતા યુવક સાથે સગાઇ થઈ હતી. બંનેની સગાઇને પાંચ વર્ષનો સમય થઈ ગયો, જો કે યુવકે સગાઈને એક વર્ષમા જ લખણ ઝળકાવ્યા.. અને પહેલા આઈફોનની માગણી કરી, જો કે યુવતીએ કહ્યું કે પરિવારની આર્થીક પરિસ્થિતિ એવી નથી કે તને ફોન આપી શકે, બાદમાં પોતાના પુત્રને ઠપકો આપવાને બદલે યુવકના માતાપિતા સીધા જ યુવતીના ઘરે પહોંચી ગયા અને માગણી કરી કે મારા પુત્રને આઈફોન, સોનાના દાગીના અને ગાડી લઇ દેવી પડશે. જો કે સામા પક્ષે યુવતીના પરિવારજનોએ વિનંતી કરી કે તેમની પરિસ્થિતિ એવી નથી કે આ માગણી પૂરી કરી શકે. દીકરીના પરિવારની આ વાત સાંભળી સાસરિયાવાળા ગુસ્સે થઈ ગયા અને ધમકી આપી કે તારી દીકરી અને દીકરાના સમાજમાં લગ્ન નહિ થવા દે. આ ધમકીથી ગભરાયેલા દીકરીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.