Mysamachar.in-મોરબી:
દેશભરમાં પ્રખ્યાત સિરામિકનગરી મોરબીમાં ગત્ ત્રીસમી ઓક્ટોબરે સર્જાયેલી પુલ તૂટવાની ઘટના, 135 મોતને કારણે ગોઝારી પૂરવાર થઈ અને ખુદ વડાપ્રધાને પણ મોરબી સુધી દોડી જવું પડેલું પરંતુ દુઃખની વાત એ છે કે, હાલ આ અતિ દુઃખદ દુર્ઘટનાની તપાસ થિજાવી દેવામાં આવી હોય, એવું સમજાઈ રહ્યું છે ! ચૂંટણીમાં આ ઘટનાનો અને લોકઆક્રોશનો પડઘો ન પડે તે માટે, આમ થઈ રહ્યું છે ?! એવી શંકાઓ લોકોનાં મનમાં મજબૂત બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે !
મોરબી હોનારતની તપાસ દરમિયાન હજુ સુધીમાં માત્ર પરચૂરણ આરોપીઓને જ પકડવામાં આવ્યા છે. પાંચ ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ આટલાં દિવસો પછી પણ કશું જ નોંધપાત્ર કામ કરી શકી નથી ! FSL આ બનાવની તપાસ કરી રહી છે અને ટ્રક ભરીને ભંગાર ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે, FSL ઝીણવટભરી તપાસ કરશે વગેરે અહેવાલો અને પીઠથાબડ વાતાવરણ વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આજની તારીખે – ઘટનાનાં તેર દિવસ પછી પણ, FSL ની તપાસમાં શું બહાર આવ્યું ?! તે પ્રશ્નનો જવાબ પોલીસે, ઉચ્ચ અધિકારીઓની ટીમે કે ખુદ સરકારે પણ જાહેર કર્યો નથી ! દુર્ઘટના પછી ગૃહમંત્રીએ મોરબીમાં મુકામ કરેલો, પત્રકાર પરિષદો કરી હતી પરંતુ હાલ તેઓ ચૂંટણીમાં વ્યસ્ત છે !
મોરબીની આ ગોઝારી ઘટના માત્ર લોકોને જ યાદ છે ! કારણ કે, સેંકડો પરિવારોએ હીબકાં ભર્યા છે. હજારો પરિચિતોએ આ હીબકાં સાંભળ્યા છે. સરકારે તો હોસ્પિટલનું રંગરોગાન કરાવી, સંતોષ માની લીધો હોવાની સ્થિતિને કારણે લોકોમાં આ ઘટનાની તપાસ અંગે ભારે આક્રોશ છે, ચૂંટણીમાં પણ તેનાં પડઘાઓ રાજ્યભરમાં પડશે, એવું પણ સમજાઈ રહ્યું છે. કેમ કે, હજુ મુખ્ય આરોપીઓ પકડાવાનુ તો દૂર, મુખ્ય આરોપીઓ તરીકે કોઈનાં નામો પણ FIR માં ઉમેરવામાં આવ્યા નથી ! મૃતકોના બારમા-તેરમા પણ જતાં રહ્યા, છતાં અધિકારીઓ તો ઠીક સરકારને પણ જયસુખ પટેલ ( ઓરેવાના માલિક) ક્યાં છે ?! એ ખબર નથી !! સૌ ફીફાં ખાંડી રહ્યા હોય, તેવું દ્રશ્ય હોવાથી લોકઆક્રોશ વધી રહ્યો છે. મામલો વાયા હાઈકોર્ટ થઈ છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચી ચૂક્યો તો પણ તપાસ જાણે કે, થિજાવી દેવામાં આવી ! આ સ્થિતિ છે.