Mysamachar.in-મોરબી:
સિરામિકનગરી તરીકે દેશભરમાં ખ્યાતિ ધરાવતાં મોરબીમાં રવિવારે ગજબ સર્જાયો. ઝૂલતો પુલ તૂટી પડતાં 141 જિંદગીઓ મચ્છુ નદીનાં પાણીમાં ડૂબી ગઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો. આ પુલ સરકારે, લાંબા વિવાદ પછી, ઓરેવા નામની કંપનીને 15 વર્ષ માટે સોંપી દીધો હતો. પરંતુ રિનોવેટ થયેલો પુલ લોકો માટે ખૂલ્લો મૂકાયાના ગણતરીનાં કલાકોમાં જ આ પુલ ગોઝારો પૂરવાર થતાં સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચી ગઈ છે.
ગત્ માર્ચમાં સરકાર અને જાણીતી ઘડિયાળ-ઈલેક્ટ્રોનિક ઉત્પાદક કંપની ‘ઓરેવા’ વચ્ચે આ પુલ મુદ્દે કરાર થયો હતો. કરાર દરમિયાન કંપનીએ રૂ. 2 કરોડનાં ખર્ચે આ ઝૂલતો પુલ રિનોવેટ કર્યો અને તાજેતરમાં નવાં વર્ષે લોકો માટે ખૂલ્લો મૂક્યો. સરકાર તથા કંપની વચ્ચે જે કરાર થયેલો તે કરારની સંપૂર્ણ વિગતો ‘ mysamachar.in ‘ પાસે છે.
આ કરાર મુજબ, રાજાશાહીના જમાનામાં બનેલો આ ઝૂલતો પુલ ઓરેવા કંપનીને 2037 ની સાલ સુધી સોંપી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ કંપની ઈચ્છે તો, આ પુલ કંપની પાસે જ રહે ! કંપની આ બ્રિજનો ઉપયોગ ધંધાદારી હેતુ ( ટિકિટ, જાહેરાત, Branding વગેરે) માટે કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરારમાં કરવામાં આવી હતી.
મોરબી કલેકટર કચેરી, મોરબી નગરપાલિકા તથા ઓરેવા કંપની વચ્ચે આ કરાર થયેલો. જેમાં દર વર્ષે કંપની ટિકિટ સહિતનાં ધંધાદારી કામોમાં ભાવવધારો દાખલ કરી શકે તેવી પણ શરતો મૂકવામાં આવી છે. ઝૂલતાં પુલ ને લગતો નિભાવ અને જાળવણી સહિત તમામ ખર્ચ કંપની ભોગવે અને તમામ આવક પણ કંપનીનાં ખિસ્સામાં જાય એ પ્રકારની શરતો કરારમાં કરવામાં આવી છે. ટૂંકમાં, પાલિકા તથા સરકારે રાજાશાહી વખતનું નઝરાણું ધંધાદારી હેતુઓ માટે કંપનીને પધરાવી દઈ વાહવાહી લૂંટવાનો કારસો ગોઠવ્યો હતો. પરંતુ કુદરતે આખો ખેલ પ્રારંભે જ ઉંધો પાડી દીધો ! કંપનીને આ પુલ આપવામાં આવ્યો તે પહેલાં અઢી વર્ષ સુધી વિવાદ પણ ચાલેલો. અંતે, ગાંધીનગર મહેરબાન થતાં કંપનીએ પુલ કબજે કરી લીધો. પરંતુ આ ખુશી આફત પૂરવાર થઈ છે.