Mysamachar.in- મોરબી:
રવિવારનો દિવસ ધૂંઆધાર મોરબી માટે કાળમુખો પૂરવાર થતાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય હચમચી ઉઠયું છે. આ અતિ દુઃખદ દુર્ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓનો આંકડો છેક 141 પર પહોંચી ચૂક્યો છે! મોતનો સરકારી આંકડો 132 જાહેર થયો છે. મૃતકોમાં બાળકોની સંખ્યા 25 હોવાનું જાહેર થયું છે. દુર્ઘટના બાદ પિડીતોની મદદે દોડી ગયેલી રાહતબચાવ ટૂકડીઓમાં સૈન્યની ત્રણેય પાંખો, NDRF-SDRF તથા ફાયરશાખાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ હોનારતે સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવી દીધી છે.
કાલે રવિવારે મોરબી શહેરમાં તાજેતરમાં રિનોવેટ થયેલાં ઝૂલતાં પુલ ખાતે આ હોનારત સર્જાઈ હતી. રાજાશાહીના જમાનામાં બનેલાં આ પુલને તાજેતરમાં રૂ. 2 કરોડનાં ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યા પછી, આ ઝૂલતો પુલ નવાં વર્ષથી લોકો માટે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નવાં વર્ષનાં અને વેકેશનના દિવસો હોવાને કારણે મોરબીવાસીઓ, તેઓનાં મહેમાનો અને આસપાસના ગ્રામ્ય પંથકના સેંકડો લોકો છેલ્લાં પાંચ દિવસથી આ નવા પુલ પર ઝૂલવાનો આનંદ માણવા પહોંચતા હતાં તે દરમિયાન રવિવારે સાંજે આ કાળમુખી હોનારત સર્જાઈ !
આ હોનારત, રાહતબચાવ કાર્ય અને ફરિયાદ તથા તપાસ સમિતિની રચના સહિતના મુદ્દાઓ પર પત્રકારોને માહિતી આપવા આજે સોમવારે સવારે મોરબી ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રવિવારે સમગ્ર રાત્રિ દરમિયાન રાહતબચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ અને મોરબી ઉપરાંત રાજકોટ ખાતે સારવારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગૃહમંત્રીએ કહ્યું કે આજે આખો દિવસ મોરબીમાં જ રહીશ. સતત મોનિટરીંગ ચાલુ છે. ક્રિમિનલ ફરિયાદ અને તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે. બચાવ અને સારવાર કામગીરી પૂર્ણ થયાં બાદ બપોરનાં સમયે મૃતકો, સારવાર, ફરિયાદ તથા તપાસસમિતિ સંબંધિત વધુ માહિતી અને વિગતો પત્રકારોને આપવામાં આવશે. રવિવારે મોરબીમાં આ હોનારત સર્જાઈ હોવાનાં અહેવાલ પછી રાજકોટ અને સુરેન્દ્રનગર ઉપરાંત જામનગર ખાતેથી પણ સૈન્યની ત્રણેય પાંખોની ટૂકડીઓ સહિતની રાહતબચાવ ટૂકડીઓ મોરબી તરફ રવાના કરવામાં આવી હતી.
મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ માટે રવાના કરવામાં આવી હતી.જેમાં આર્મીની 40 જવાનો સાથેની એક ટીમ, એરફોર્સના 27 જવાનો સાથેની એક ટીમ, વાલસૂરા નેવીના 50 જવાનો સાથેની પાંચ ટીમ, મેડીકલના 57 સભ્યો સાથેની 19 ટીમ, જામનગર મહાનગરપાલિકાના 15 કર્મીઓ સાથેની ત્રણ ટીમ તેમજ રિલાયન્સ, નયારા તથા આઈ.ઓ.સી.એલ. ની 3 ટીમ તાત્કાલિક અસરથી મોરબી જવા રવાના કરવામાં આવી હતી.
આ હોનારતની જાણ થતાં જ મુખ્યમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી સહિતનો કાફલો મોરબી પહોંચી ગયો હતો અને સ્થાનિક તંત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા રાહતબચાવ કામગીરી માટે જરૂરી સંકલન કરાવ્યું હતું. આજે બપોરે મોરબી કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી બેઠક યોજશે અને તપાસ સંબંધી કામગીરીઓ અંગે માર્ગદર્શન આપશે. દરમિયાન, સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિમાં પાંચ અધિકારીઓને સંપૂર્ણ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ આ વિષયમાં દોષિત જાહેર થશે તે તમામ વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.