Mysamachar.in-મોરબી
તાજેતરમાં જ મહા વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.મોરબીમાં પણ 200થી વધુ સેન્ટરમાં આરોગ્ય કર્મીઓએ 39 હજાર કરતા પણ વધુ લોકોને રસી આપી હતી. જો કે આ મહા વેક્સિનેસન કેમ્પ બાદ મોરબીના માળિયાના વનાળિયામાં મૃતકના નામે વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટ ઇસ્યૂ થતાં આ અંગે તેમના પરિવારજનોએ પીએચસીના સ્ટાફનો સંપર્ક કર્યો તો તેમણે પોતાની જવાબદારી ખંખેરીને એવો જવાબ આપી દીધો હતો કે ટેકનિકલ ખામીના લીધે આમ બન્યું હશે. મોરબીના સર્કીટ હાઉસ નજીકમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ તા. 16 માર્ચના રોજ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને બીજો ડોઝ બાકી હતો. દરમિયાન તા. 23 એપ્રિલના રોજ રાજેન્દ્રસિંહનું અવસાન થયું હતું. સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેનું સર્ટિફિકેટ ડાઉનલોડ થયું છે એટલે પાંચ માસ પૂર્વે તેમનું અવસાન થયું છતાં 17 સપ્ટેમ્બરના રોજ સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો તેવું આ સર્ટિફિકેટ પરથી સાબીત થઇ રહ્યું છે.
હવે ખરેખર આ ડોઝ કોને અપાયો કે પછી તેમના આધાર કાર્ડનો ઉપયોગ કોણે કર્યો એ બાબત તપાસ માગી લે તેમ છે. આ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાના પુત્રે આરોગ્ય કેન્દ્રમાં ફરિયાદ કરી તો ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું હતું. મોરબીના સો ઓરડી પીએચસી સેન્ટર દ્વારા માળીયા વનાળિયા ખાતે જે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, ત્યાંથી આ ડોઝનું રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે જાણવા મળતી વિગતો પ્રમાણે દરકારી ઢાંકવા અનેક પ્રયાસો બાદ પણ પાપ છાપરે ચડીને પોકરતા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ સો ઓરડીના મેડિકલ ઓફિસરને શો કોઝ નોટિસ ફટકારી છે. ક્યાં છીંડા રહ્યાં અને કોણે ગંભીર ભૂલ કરી તે બાબતે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી રહી છે.