Mysamachar.in-મોરબી
ગઈકાલે ઓગસ્ટનો પહેલો રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે હતો, એવામાં આ દિવસે મોરબીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મોરબી શહેરમાં રહેતા મિત્રો ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલા ડેમી 2 ડેમના પાણીમાં નાહવા ગયા હતા. મોજમસ્તી કરતી વખતે એક યુવકનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને બચાવવા જતાં સાથે વારાફરતી અન્ય બે યુવાન પણ ઊતર્યા અને ત્રણેય ડૂબી ગયા હતા.
બનાવની જાણ થતાં મોરબી 108ની 3 ટીમ, ફાયરની ટીમ તેમજ ટંકારા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહોને બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવા આવ્યા હતા, જયારે એક મિત્ર હેમખેમ બહાર આવી ગયો હતો અને તેણે જ આસપાસના લોકોને બચાવ માટે બૂમો પાડી હતી. કરુણાંતિકા એ હતી કે આ કોઇનેય તરતા આવડતું ન હતું. બાકીના ત્રણે મિત્રો નાહતા હતા એ દરમિયાન એક મિત્રનો પગ લપસતાં તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, આથી બાકીના બન્ને તેને બચાવવા મરણિયા બન્યા હતા અને એ બન્ને પણ ડૂબવા લાગ્યા હતા અને એક પછી એક-એક એમ ત્રણેય મિત્રો દીપક હડિયલ, સ્વયં ભાનુશાલી અને રિશી દોશીનું મોત થયું હતું.