Mysamachar.in-મોરબી
પોલીસનું કામ જુગારની પ્રવૃત્તિને ડામવાનું છે, પણ ખુદ પોલીસ જ જુગાર રમાડતી હોય તો…..હા આવો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે, જ્યાં કેટલાય સમયથી મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં પોલીસકર્મી રાજેન્દ્રસિંહ બાલુભા ઝાલા ઉર્ફે રાજભાના નવલખી નજીક આવેલા મકાનમાં જુગારધામ ચલાવતો હતો, પોલીસે સ્થળ પરથી સાત ઈસમોને 6,96,000 રુપિયાના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે, મકાનમાં ચેકિંગ કરતાં બે ગેરકાયદેસર હથિયાર દારૂ અને બિયર પણ મળી આવ્યા જુદા-જુદા ત્રણ ગુના નોંધ્યા છે.
મોરબી જીલ્લામાં છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા તેમાં પણ સૌથી વધુ 6 વર્ષ સુધી નવલખી ખાતે ફરજ બજાવી રહેલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે.પંચાસર તાં.મોરબી જી.મોરબી વાળો નવલખી અને ખીરસરા વચ્ચે ફોરેસ્ટના બંધ પડેલા સરકારી મકાનમાં કબજો કરી અને નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી રેન્જ આઈજી સંદીપ સિંઘ અને પીએસઆઇ જે એસ ડેલા સહિતના સ્ટાફને મળી હતી. જેના આધારે રેન્જના પીએસઆઇ જે. એસ. ડેલા આઈજી પાસે વોરન્ટ ઈસ્યુ કરાવી અને નવલખી અને વર્ષામેડી વચ્ચે ખીરસરાના પાટિયા પાસે અવાવરું જગ્યામાં આવેલા ફોરેસ્ટના મકાનમાં દરોડો પાડ્યો હતો.
જ્યાં નાલ ઉઘરાવી જુગાર રમતા પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે પંચાસર,ઘનશ્યામ કરશનભાઈ આદ્રોજા રહે.સોમનાથ, અવની પાર્ક મોરબી, જયંતિ ગાંડુંભાઈ ઠોરિયા રહે.સરદાર પેલેસ મોરબી,નવલસિહ પ્રભાતસિંહ જાડેજા રહે.ફાટસર તા.જી.મોરબી, નરેશ સવજીભાઈ વિડજા રહે. સિલ્વર પેલેસ બાલકેશ્વર મંદિર પાછળ બોની પાર્ક મોરબી, સંજય રણમલભાઈ લોખીલ રહે.મોટા દહીંસરા તા.માળીયા મી.જી.મોરબી, પરમાભાઈ સુરેશભાઈ પાસવાન રહે.ખીરસરા તા.માળીયા મી.જી.મોરબી વાળા મળી આવ્યા હતા. જેમાં રોકડ રકમ 6,76,340, સાત મોબાઈલ કિંમત 20,000નાં મળી કુલ રૂપિયા 6,96,340 રૂપિયાના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.
જુગારના દરોડા બાદ ફોરેસ્ટના સરકારી ક્વાર્ટરમાં કબજો કરી બેઠલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલાના મકાનની તલાસી લેતા તેમાંથી બે ગેરકાયદેસર હથીયાર તેમજ દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. જે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે રેંજ પોલીસે સપાટો બોલાવતા સ્થાનિક પોલીસ પર પણ તવાઈ આવે તો નવાઈ નહી