Mysamachar.in-મોરબીઃ
સમાજમાં માતાનું સ્થાન ભગવાનથી પણ ઉપર રહેલું છે, પરંતુ આજના આધુનિક યુગમાં બાળકોને જમાના પ્રમાણે તૈયાર કરવામાં જનેતાએ પણ અપગ્રેડ રહેવાની ફરજ બની છે. ત્યારે મોરબીમાં આદર્શ માતા કસોટી નામની એક અનોખી સ્પર્ધા યોજાઇ, ત્રણ તબક્કામાં યોજાયેલી આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની 1400થી વધુ માતાઓએ ભાગ લીધો હતો, પ્રથમ તબક્કામાં વસ્ત્ર પરિધાન સ્પર્ધા અને હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું હતું. ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને પરીક્ષામાંથી સૌથી વધુ માર્ક મેળવનાર 11 માતાઓની ત્રીજા રાઉન્ડ એટલે મૌખિક પ્રશ્નોતરીમાં સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ માટે રાજકોટના બાળ નિષ્ણાત તબીબ દ્વારા મૌખિક પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં 1400 માતાને ટક્કર આપી મોરબીના કિંજલ જીવાણીએ 1.25 લાખનો સોનાનો ક્રાઉન જીત્યો હતો.
આ અનોખી સ્પર્ધામાં રાખવામાં આવેલા તબક્કાઓએ સૌકોઇનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં માતાઓ પાસે હાલરડાં ગવડાવવા, વસ્ત્ર પરિધાન્, હેલ્થ ચેકઅપ અને માતા કેટલી સ્માર્ટ છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો, આ તમામ કસોટીમાંથી ઉતીર્ણ થનારી માતાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય 10 માતાઓને પણ સોનાના અલગ અલગ આભૂષણ ભેટમાં આપવામાં આવ્યા હતા. તો આદર્શ માતા કસોટીમાં 100 નંબર સુધી આવેલી બહેનોને પણ રૂ 1 હજાર સુધીનું ઇનામ જ્યારે તમામ 1400 માતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મિસ વર્લ્ડ, મિસ ઇન્ડિયા જેવી સ્પર્ધામાં મહિલાઓને વધુ રસ હોય છે, પરંતુ આદર્શ માતાની આ અનોખી સ્પર્ધાએ સૌકોઇનું ધ્યાન ખેંચ્યું હતું.