Mysamachar.in-ગાંધીનગર:
તમારે મિલકતવેરા સહિતના વેરાઓ અને પાણી ચાર્જની રકમો સમયસર ભરવી જોઈએ, કેમ કે આ નાણાંથી મહાપાલિકા શહેરના વિકાસકામો કરી શકે છે એવી ડાહીડાહી વાતો મહાપાલિકાઓ કરતી હોય છે. તમારી પાસેથી આ પ્રકારના નાણાં વસૂલવા તમને વ્યાજમાફી તથા દંડમાફી પણ આપે. રાહતયોજનાની બડીબડી વાતો કરી તમારી પાસેથી લેણી રકમો ઉઘરાવે અને એમ છતાં તમે લેણાં ભરપાઈ ન કર્યા હોય અથવા કોઈ કારણસર તમે આ લેણાં ચૂકવી શક્યા ન હો તો તેઓ તમારી મિલ્કતો જપ્ત કરવા આવી પહોંચતા હોય છે.
પરંતુ બીજી તરફ હકીકત એ છે કે, આ મહાપાલિકાઓ અને પાલિકાઓ સરકારને પાણી અને લાઈટના નાણાં ચૂકવતી નથી, તમારાં નાણાં વાપરે, સરકારના નાણાં વાપરે અને પાણી તથા લાઈટ મફતમાં વાપરે !! જામનગર સહિત સમગ્ર રાજયમાં આ પ્રકારનું અંધેર વર્ષોથી ચાલે છે. મહાપાલિકાઓ અને પાલિકાઓ સરકારને નાણાં આપતી નથી, બીજી તરફ ગુજરાત સરકાર પર અબજો અબજો રૂપિયાનું દેણું ચડી બેઠું છે. ટૂંકમાં સર્વત્ર અંધેર નગરી જેવો ઘાટ.
સરકારે જાહેર કર્યું છે કે, રાજયની જામનગર સહિતની આઠ મહાપાલિકાઓ અને ખંભાળિયા સહિતની 157 પાલિકાઓએ વર્ષોથી સરકારને પાણી અને લાઈટ સેવાના બદલામાં અબજો રૂપિયા હજુ સુધી ચૂકવ્યા નથી. મોડેલ સ્ટેટમાં આટલું અંધેર શા માટે ચાલી રહ્યું છે.
આ અબજો રૂપિયાની રકમો ચડી ગઈ હોવાથી ધારો કે આગામી સમયમાં મહાપાલિકાઓ અને પાલિકાઓ વિસ્તારોમાં સરકાર પાણી અને લાઈટનો પૂરવઠો બંધ કરી નાંખે અથવા ઘટાડી દે અથવા નાણાંની કડક ઉઘરાણી કરશે ત્યારે આ બધી ઠનઠન ગોપાલ મહાપાલિકાઓ અને પાલિકાઓ શું કરશે ?! તેઓની તિજોરીઓ તો ખાલી છે અને ખુદ ગુજરાત સરકાર પણ દેણાંના મહાકાય ડુંગર તળે કચડાયેલી છે, કલ્પના કરો- કેટલું અંધેર ?!
એક તરફ બધે જ વિકાસની ગુલબાંગો ફૂંકાઈ અને ફેંકાઈ રહી છે, મોટીમોટી વાતો થઈ રહી છે, બીજી તરફ રાજય સરકારથી માંડીને જામનગર સહિતની મહાપાલિકાઓ અને ખંભાળિયા તથા સિક્કા સહિતની પાલિકાઓ દેવાળું ફૂંકવાની તૈયારીઓમાં છે. કર્મચારીઓના પગારના પણ સાંસા હોય છે, લાઈટ અને પાણી મફત વાપરે છે. આ ઉપરાંત વેરાઓ અને ચાર્જીસ ભરતાં લાખો કરદાતાઓ ભંગાર રસ્તાઓ, ખાડાઓ, રખડતાં પશુઓ અને કૂતરાંઓ તથા ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાઓ સહિતની તકલીફો વેઠવા મજબૂર છે. મોડેલ સ્ટેટની બધી જ વાસ્તવિકતાઓ નજર સમક્ષ છે.
સરકારે મહાપાલિકાઓ અને પાલિકાઓને સમયસર દેણાંઓ ચૂકવવા આદેશ કર્યો છે. ધારો કે મહાપાલિકાઓ અને પાલિકાઓ સરકારને સમયસર નાણાં ચૂકવી ન શકે તો, આગામી સમયમાં આ તમામ નાનામોટાં શહેરોમાં પાણી અને લાઈટના જોડાણો કપાવાનું શરૂ થશે ?! કે, તંત્રો કરદાતાઓ પર ખીજ ઉતારશે ?!