ગાંધીનગર:
રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને ધ્યાને લઇ વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, વરસાદી પાણી (સરફેસ વૉટર) નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે.ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજુઆત કરી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
ઉર્જામંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.