Mysamachar.in-રાજકોટ:
મારે સચિવાલયમાં ઓળખાણ છે, મારો એક મિત્ર ગાંધીનગરમાં કામ ઉતારે છે અથવા પાટનગરમાં કાંઈ કરવાનું હોય તો કહેજો-આ મતલબના વાકયોનો પ્રયોગ કરીને, ઘણાં ચીટરો સરકારી નોકરીઓ મેળવવા ઈચ્છતા લોકોને શીશામાં ઉતારી લેતાં હોય છે. આ પ્રકારના એક મામલામાં એક ચીટરની ધરપકડ થઈ છે અને હજુ એક શખ્સની શોધ ચાલી રહી છે. ઘણાં લોકોને પૈસા ફેંકો, તમાશા દેખો એ કહેવત અનુસાર સરકારી નોકરીઓ મળી પણ જતી હોય છે, ઘણાં લોકોને ભલામણોને આધારે મેળ પડી જતો હોય છે- જેને કારણે ઘણાં બેરોજગારો આ પ્રકારના કુંડાળામાં ફસાઈ જતાં હોય છે. આવી વધુ એક ફરિયાદ રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં થઈ છે.
પાટણવાવ પોલીસમાં નવનીત રામાણી અને નિકુંજ નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરાંની કલમો લગાડવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરના રવિરાજ કુંડારિયાની ફરિયાદના આધારે પોલીસે નવનીતની ધરપકડ કરી છે અને તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. નવનીત નામના આ શખ્સે પોતાને સચિવાલયમાં ઓળખાણ છે અને નોકરી મળી જ જશે એવો ભરોસો આપીને રૂ. 12 લાખના આ સોદા પૈકી 10 લાખ રૂ. કટકે કટકે ફરિયાદી પાસેથી મેળવી લીધાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ચીટરે ખોટાં સહી સિક્કા સાથેનો નોકરી આપવામાં આવે છે એવો બોગસ લેટર પણ ફરિયાદીને આપ્યો છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, માણાવદર નજીકના કલાણા ગામના લાલાભાઈ પટેલ સાથે ફરિયાદીને મિત્રતા હતી. બાદમાં ફરિયાદીને આ આરોપી નવનીત કાંતિભાઈ રામાણી નામના શખ્સ સાથે પણ મિત્રતા થઈ. આરોપી લાલાભાઈના મેડિકલ સ્ટોર પર ફરિયાદીને મળતો. બાદમાં આ પ્રકરણમાં લાલાભાઈએ ફરિયાદી સમક્ષ આરોપીની સચિવાલય પહોંચ અંગે ઘણી વાતો કરી. ત્યારબાદ નવનીત અને તેનો મિત્ર પાર્થ ફરિયાદીના ઘરે જઈ નોકરી અપાવી દેવાના સોદાના ટોકન પેટે ફરિયાદી પાસેથી રૂ. 1.50 લાખ લીધાં. નાણાંની આ લેતીદેતી લાલાના મેડિકલ સ્ટોર પર થયેલી. ફેબ્રુઆરી-2022 માં બિનસચિવાલયની પરીક્ષા લેવામાં આવી ત્યારે, ફરિયાદીએ આરોપીની સૂચના મુજબ પરીક્ષામાં ઉતરવહીમાં ચોક્કસ જગ્યા પર કોડ લખી નાંખ્યો હતો. આ પરીક્ષા તેણે જૂનાગઢના એક પરીક્ષા કેન્દ્ર ખાતે આપી હતી.
બાદમાં પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી આરોપીને ફરિયાદીએ વધુ રૂ. 6 લાખ આપ્યા હતાં. તેના બદલામાં આરોપીએ ફરિયાદીને નોકરીનો ઓર્ડર પણ આપ્યો હતો. ત્યાર પછી આ ફરિયાદી સહિતના કુલ પાંચ લોકોને આ રીતે આરોપીએ અમદાવાદ ખાતે એક હોટેલમાં ત્રણ દિવસ રોકયા હતાં અને સચિવાલયમાં નોકરી પર હાજર થવાની વારતાઓ સંભળાવી તથા સમજાવી હતી. જેમાં જામનગર જિલ્લાના જામજોધપુરના એક ઉમેદવારનો પણ સમાવેશ થતો હતો. આ આખા પ્રકરણમાં નિકુંજ નામધારી એક શખ્સની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલો આરોપી નવનીત રામાણી પરફેક્ટ સિકયોરિટી કંપની ચલાવતો હોવાનું પણ જાહેર થયું છે.