Mysamachar.in-રાજકોટ:
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ હોવા છતા હજી આ આતંકમાંથી મુક્તિ મળી નથી. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં દરરોજ રખડતા ઢોરોનો ત્રાસ સામે આવતો રહે છે. એવામાં રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના ત્રાસની બીજી ઘટના સામે આવી છે. મવડી હેડ કવાર્ટરમાં વહેલી સવારે પરેડ પૂર્ણ કરી ઘરે પરત ફરતી મહિલા પોલીસને ગાયે અડફેટે લીધી હતી. આ બનાવમાં મહિલા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત બની હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે.હવે પોલીસ તંત્ર પણ ઢોરના ત્રાસથી બાકાત ન હોય તેવી ઘટના આજે રાજકોટમાં સામે આવી છે. જેમાં રખડતી ગાયે 2 મહિલા પોલીસને અડફેટે લીધી હતી. તેમાય એક મહિલા પોલીસ તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના દાંત તૂટી જતા તેઓ રડી પડ્યા હતા.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આજે સવારે 8:30 કલાકે પોલીસકર્મી પૂજા સદાદિયા અને ગાયત્રી દેવમુરારી તથા તેમની સાથે અન્ય બે મહિલા પોલીસ મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા હતા. એ સમયે ગાય આવી હતી અને ગાયત્રીબેનના બાઈક સાથે અથડાઈ હતી અને તેમને અડફેટે લીધા હતા.જેને પગલે બે મહિલા પોલીસ ઘાયલ થયા હતા. તેમાંય ગાયત્રીબેનને હેરલાઇન ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના ચાર-પાંચ દાંત તૂટી ગયા હતા. જેના કારણે પોલીસકર્મીની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે.