Mysamachar.in-રાજકોટ
તસ્કરો આવીને ચોરી કરી જાય તે વાત હજુ પણ ગળે ઉતરે…પણ પરિવારનું સભ્ય જ ચોરીના ખેલમાં સાથે હોય તો…આવો જ એક ચોકાવનારો કહી શકાય તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં પહેલા તો ચોરીની ફરિયાદ નોંધાઈ પણ પોલીસે સ્થળ તપાસ કરતા જે રીતે ઘરના દરવાજા ડુપ્લીકેટ ચાવીથી ખુલેલા જોયા માટે કોઈ ઘરના જ ઘાતકી હોવાનું લાગ્યું જેથી તે દિશામાં તપાસ આદરી અને અંતે પોલીસને લાખોની આ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે,
રાજકોટના રેલવેનગરના રામેશ્વર પાર્ક સોસાયટીમાં 24 નવેમ્બરના રોજ ચોરી થઈ હતી. જેમાં ફરિયાદીની પુત્રી રિયાંશીએ જ પોતાના પ્રેમી પાર્થ સાથે મળી ઘરમાં ચોરી કરાવી હતી. રિયાંશી અને પાર્થ એકબીજાને પ્રેમ કરે છે અને બંને લિવ ઈન રિલેશનશીપમાં રહેવા માગતા હોય પ્રેમીને ધંધો કરાવવા માટે ચોરી કરાવી હતી. રિયાંશીએ પોતાના ઘરની નકલી ચાવી પ્રેમી પાર્થને આપી હતી અને 7.34 લાખની ચોરી કરાવી હોવાનું બહાર આવ્યું છે,
રાજકોટની સરિતા વિહાર સોસાયટીમાં રહેતો પાર્થ નવનીતભાઈ ભટ્ટ રેલવેનગરના રામેશ્વર પાર્ક-2ના બ્લોક નં.57 બી-2માં રહેતા ફ્રાન્સિસભાઈ લલિતભાઈ ક્રિશ્ચિયનની પુત્રી રિયાંશી સાથે પ્રેમ સંબંધ બંધાયો છે. પાર્થે મુથ્થુટ ફાયનાન્સમાં પોતાનો સોનાનો ચેઈન મુકી લોન મેળવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રિયાંશીને પાર્થ સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેવા અને પાર્થને ધંધો કરાવવા માટે પોતાના ઘરની નકલી ચાવી બનાવી પાર્થને આપી હતી. પાર્થે 24 નવેમ્બરના રોજ રિયાંશીના ઘરમાંથી 1,60,000 રોકડા, બે સોનાના બિસ્કીટ (કિંમત- 5,49,000) અને 25 હજારના એક સોનાના ચેઈનની ચોરી કરી હતી.
રેલવેમાં લોકો પાઈલોટ તરીકે ફરજ બજાવતા અને રિયાંશીના પિતા ફ્રાન્સિસભાઇ લલિતસેન ક્રિશ્ચીયને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઘરમાંથી રૂ.2000, 500 અને 100ના દરની ચલણી નોટો રૂ. 1,60,000ની, સોનાના બે બિસ્કીટ રૂ. 5,49,000 અને 25 હજારનો સોનાનો ચેઈન ગાયબ હતો. રસોડાનો પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. ઘરના મુખ્ય દરવાજામાં ઈન્ટર લોક હતું. આ લોક ખોલીને કોઈએ ઘરમાં પ્રવેશ કરી કબાટની વચ્ચે ફીટ કરાવેલું લોકર તોડી તેની અંદરથી રોકડ, સોનાના બિસ્કીટ, ચેઈન મળી કુલ રૂ.7,31,000ની ચોરી કરી હતી.
પોલીસે ચોરીની તપાસ શરુ કરી તો તપાસમાં ડુપ્લીકેટ ચાલીથી ઈન્ટર લોક ખુલ્યો હોવાનું બહાર આવતા ઘરના સભ્યો ઉપર જ શંકાની સોય તાકી હતી. બાદમાં પોલીસે ફ્રાન્સિસભાઈના પુત્ર અને તેના ભાણેજની પૂછપરછ કરી હતી. દરમિયાન DCBની અલગ અલગ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા પર્સનલ સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી કામગીરી હાથ ધરી હતી. અને ખાનગી રાહે તપાસ કરવાતા એવું સામે આવ્યું કે ફરિયાદી ફ્રાન્સિસભાઈની દીકીર રિયાંશી પોતાના પ્રેમી પાર્થ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવા માટે અને રિયાંશીએ જ ઘરની નકલી ચાવી બનાવી પાર્થ પાસે ચોરી કરાવી હતી. બાદમાં પોલીસે પાર્થની પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી હતી.હાલ પોલીસે પાર્થને ઝડપી પાડ્યો છે, જયારે રીયાંશીની પણ સંડોવણી હોય તેની સામે પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજકોટ પોલીસે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.