Mysamachar.in-રાજકોટ
આમ તો વરસાદના ચાર છાંટા પડે અને વીજપુરવઠો કેટલાય વિસ્તારોમાં કલાકો સુધી ખોરવાઈ જાય, લોકોનો રોષ પણ ક્યારેક પીજીવીસીએલ પર જોવા મળતો હોય છે, ત્યારે હવે વરસાદ શરુ થવાને ગણતરીના દિવસો છે, અને ગમે ત્યારે મધ્યમથી માંડીને ધોધમાર વરસાદ પણ પડી શકે છે, આ વર્ષે વીજકંપનીની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરી થઇ છે, ભારે વરસાદ આવે તો વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા આ વર્ષે પીજીવીસીએલના સૌરાષ્ટ્રના ઉચ્ચઅધિકારી વીજકંપનીના દરેક સર્કલના અધિક્ષક ઈજનેરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત કોર્પોરેટ ઓફિસે કંટ્રોલ રૂમ ઉપરાંત સર્કલ કક્ષાના પણ કંટ્રોલ રૂમ ઊભા કરાયા છે જેમાં ચોમાસામાં કોઈ અકસ્માત થાય, વીજ પુરવઠો ખોરવાય, વીજપોલ કે ટ્રાન્સફોર્મર પડી જાય તો તાકીદે કંટ્રોલ રૂમમાં જાણ થાય અને તાકીદે ટેક્નિકલ સ્ટાફ વીજ પુરવઠો પૂર્વવત કરી શકે તે માટે તમામને સ્ટેન્ડ ટુ રખાયા છે. ચોમાસા દરમિયાન કોઈપણ એવી ઘટના બને તો તેનું સીધું મોનિટરિંગ કરી શકાય તે માટે સર્કલના અધિક્ષક ઈજનેરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને માઈક્રો પ્લાનિંગ કરાયું છે.
કોરોના મહામારીની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ, સરકારી પ્રાથમિક દવાખાના તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જ્યાં દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ અને સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે મોનિટરિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના શહેરો અને ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને ટેક્નિકલ કારણોસર ખોરવાય તો તાત્કાલિક વીજલાઇન કે ફોલ્ટ દૂર કરીને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તે માટે દરેક સર્કલ ઓફિસોને સૂચના આપવામાં આવી છે.

























































