Mysamachar.in-જૂનાગઢઃ
ગુજરાતને જાણે કે દારૂની લતે ચડાવવાનું બૂટલેગરોએ નક્કી કરી લીધું હોય એમ છેલ્લા કેટલાક દિવસથી લાખો રૂપિયાનો દારૂ પકડાઇ રહ્યો છે. જો કે પોલીસની સતર્કતાને કારણે આ દારૂનું કટિંગ થાય એ પહેલા જ પકડાઇ રહ્યો છે. રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો દ્વારા દર વખતે અલગ અલગ મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવી રહી છે. કેટલાક તો એવા ભેજાબાજ બૂટલેગરો છે જેના કીમિયા જાણી પોલીસ પણ ચોંકી જાય છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં બે જગ્યાએથી લાખોનો દારૂ પકડાયો જો કે મજાની વાત એ છે કે આ બંને ઘટનામાં બૂટલેગરોની ચાલાકીની રીત જાણવા જેવી છે, જેમાં પ્રથમ જૂનાગઢમાં ગેસના ટેન્કરમાં દારૂ લઇ જવાતો હતો, તો મોરબીમાં સિમેન્ટની આડમાં છૂપાવીને દારૂની પેટીની હેરાફેરી થતી હતી.
જૂનાગઢ-જેતપુર રોડ પર ઇન્ડીયન ગેસ લખેલું ટેન્કર પાર્ક કરેલું હતું, જેમાં શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેવું ટેન્કરનું ઢાંકણું ખોલ્યું તો પોલીસકર્મીઓ પણ ચોંકી ઉડ્યાં હતા. કારણ કે આ ગેસના ટેન્કરમાં મોટાપાયે દારૂની પેટીઓ ભરેલી હતી. ટેન્કરમાંથી દારૂની કુલ પેટી 1041 બોટલ નંગ-12504 મળી કિંમત રૂપિયા 53,52,660નો દારૂ તથા ટેન્કર મળી પોલીસે કુલ 68,52,660નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં તપાસ કરી કે બૂટલેગરે આબેહૂબ ગેસ ટેન્કરની નકલ કરી હતી, બહારથી ગેસ ટેન્કર લાગે તે માટે રીતસરનો કંપનીનો લોગો, કંપનીનું સૂત્ર, ચેતવણી તેમજ મોબાઇલ નંબર પણ લખ્યા, નકલી ટેન્કરની પાછળ બે હાઇડ્રો મીટર પણ બનાવી નાંખ્યા, નો સ્મોકિંગ અને નેશનલ પરમિટનાં લોગા પણ નકલી ટેન્કરમાં લગાવ્યા એટલું જ નહીં અજમેરની જે.કે.ટ્રાન્સપોર્ટ નામની એજન્સીનું નામ અને ખોટા નંબર લખ્યા. અસલી ટેન્કરની જેમ યુએન નંબર,પોલીસનાં નંબર પણ હતા. તાલુકા પોલીસ સ્ટેશન પર જ્યારે દારૂ ભરેલું ગેસ ટેન્કર લાવવામાં આવ્યું ત્યારે ટેન્કરમાંથી દારૂની પેટી કાઢવા માટે 10 મજૂરોને 5 કલાક લાગ્યો હતો. ટેન્કરમાંથી શ્વાસ લેવા માટે પણ બહાર આવવું પડતું હતું.
તો મોરબીના હળવદમાંથી પણ 19.84 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો છે. દારૂની ખેપ મારતાં બૂટલેગરે અહીં પણ દારૂની ડિલિવરીનો નવો કિમીયો અપનાવ્યો હતો. જેમાં ટ્રકમાં સિમેન્ટના દાબડા પાછળ છૂપાવીને વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. પોલીસે એક ટ્રક, ટેમ્પો, ઇકો કાર, એક બાઇક તેમજ 190 પેટી દારૂ પકડી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ દારૂ પંજાબમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો પરંતુ હળવદ પાસે ઝડપાઇ ગયો હતો.