Mysamachar.in-ભાવનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં નાની વયના અને યુવાન લોકોના હાર્ટએટેકને કારણે મોત વધી રહ્યા છે એવી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ભાવનગર ખાતે આપેલું એક નિવેદન મહત્વપૂર્ણ લેખવામાં આવી રહ્યું છે. ભાવનગરના વતની અને કેન્દ્ર સરકારમાં આરોગ્યમંત્રી તરીકે ફરજો બજાવી રહેલાં મનસુખ માંડવિયા રવિવારે ભાવનગર આવ્યા હતાં. તેઓએ ભાવનગરમાં ઘોઘા સર્કલ નજીક યોજાયેલા ‘મન કી બાત’ ના સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે તેઓએ પત્રકારો સાથે કેટલીક વાતચીત કરી હતી. જેમાં હાર્ટએટેકથી થતાં મોતનો મુદ્દો પણ હતો.
આ તકે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, થોડાં સમય અગાઉ કેન્દ્રીય આરોગ્ય સંસ્થા ICMR દ્વારા હાર્ટએટેકથી થતાં મોત અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ બાદ નિષ્ણાંતોએ કેટલાંક તારણો જાહેર કર્યા છે. આ તારણો હાર્ટએટેક સાથે સીધો સંબંધ ધરાવતાં હોવાનું કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, જે લોકોને અગાઉ કોરોના થયો હોય, ખાસ કરીને જેઓને અગાઉ કોરોનાનો સિવિયર એટેક આવેલો હોય તેવા લોકોએ સખત પરિશ્રમ કરવાથી બચવું જોઈએ. આ પ્રકારના લોકોએ સખત મહેનત, એકધારી કસરત અને વધુ દોડવાથી બચવું જોઈએ. કોરોના બાદ જે લોકો અમુક વર્ષ સુધી આ પ્રકારની સખત મહેનતથી દૂર રહે તેઓ હાર્ટએટેકથી બચી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ICMR દ્વારા જે ડિટેઈલ સ્ટડી કરવામાં આવેલો ત્યારબાદ આ જાહેરાત અગાઉ પણ કરવામાં આવેલી છે.