Mysamachar.in-જામનગર
લોકપ્રિયતા બોલવાથી નથી મળતી વ્યક્તિની સક્રિયતા સક્ષમતા સેવાભાવના સમજણ સુઝ વગેરેથી મળે છે અને આ બધા જ ગુણ એક સાથે જોવા હોય તો તે જોવા મળે છે જામનગર શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખમાં અને માટે જ લાં…..બા સમય બાદ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જામનગર શહેર એકમને એવા સક્ષમ યુવા નેતા પ્રમુખ તરીકે મળ્યા છે કે સૌ સમીક્ષકો એકી સાથે બોલ્યા કે “ઇસમેં કુછ દમ હૈ” રાજકીય પક્ષના પ્રમુખએ જવાબદારી છે તેમાય રાષ્ટ્રીય પાર્ટીમાં હોદો મેળવવો તે વધુ જવાબદારી ભર્યુ છે,
ત્યારે વિરેન્દ્રસિંહ જાડેજા જેઓ દિગુભાના નામથી જાણીતા છે તેમને આ જવાબદારી સુપેરે નિભાવવાનો સંકલ્પ કર્યો છે એટલુ જ નહી તેઓ સંગઠન રચના તેમજ ચુંટણી વ્યુહરચના માટે રાત દિવસ એક કરી રહ્યા છે તેમજ સિનિયરોના સતત અભિપ્રાય મેળવી અનુભવનો નિચોડ પણ મેળવી રહ્યા છે આ સંતુલન જાળવવુ અઘરૂ છે પરંતુ વર્ષોથી રાજકીય ક્ષેત્રે સફળ આ યુવા નેતા માટે આ સંકલન અઘરૂ નથી તેવુ તેમની કાર્યશૈલીનો અભ્યાસ કરતા તારણ નીકળે છે, દિગુભા જાડેજાએ mysamachar.in સાથે ખાસ વાતચીત કેટલાય મુદ્દાઓ પર કરી.
દિગુભા વર્ષ 2004 થી રાજકરણમાં સક્રિય કાર્યકર તરીકે કોંગ્રેસમાં જોડાયા હતા ધીમે ધીમે પક્ષને અને પક્ષના આગેવાનોને વફાદાર રહી વિશ્વાસ કેળવવામાં તે સફળ થયા અને 2009માં શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ 2012 સુધી તેવો શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા અને અનેક મુદ્દાઓ પર સરકાર સામે લડત આપતા રહ્યા છે, તેમણે 2012 અને 2017 ની વિધાનસભા ચુંટણી અને 2019 ની લોકસભાની ચુંટણીમાં પક્ષના ઉમેદવારો માટે ખૂબ સહત મહેનત કરી છે, તો તે 2013 થી 2016 સુધી જામનગર જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હોય શહેરના તેમજ જીલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે જીવંત સંપર્કો સતત ધરાવે છે,
વીરેન્દ્રસિંહ જાડેજા જેને મોટાભાગના લોકો જામનગરથી માંડીને મોવડી મંડળ સુધી દિગુભાના હુલામણા નામથી ઓળખે છે. તેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ બનતા જાણે નવી ઉર્જાનો સંચાર પક્ષમાં થયો હોય તેવુ વાતાવરણ બન્યુ છે. કારણ કે અત્યાર સુધી જામનગર શહેર કોંગ્રેસ સંગઠનનું ગાડું રગડ ધગડ ચાલતું હતું પરંતુ આ યુવા અને લડાયક નેતાને શહેર પ્રમુખનું સુકાન પક્ષના મોવડીમંડળ દ્વારા સોંપવામાં આવતા પક્ષના કાર્યકરોમાં એક અનોખી ખુશી અને જુસ્સો જોવા મળે છે, અને શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને મળવા માટે શહેરના ખૂણે ખૂણેથી કાર્યકરો અને આગેવાનો આવી રહ્યા છે, જામનગરમાં લગભગ કોઈ દિગુભા જાડેજાને જાણતા ન હોય તેવું બને નહિ લોકોના કોઈપણ પ્રાણ પ્રશ્નો હોય હંમેશા પોતે આગેવાની લઈને પ્રજાહિતમાં હંમેશા લડતા આવ્યા છે આ લડતની અસરો અને પક્ષ પ્રત્યેની વફાદારીનું ઇનામ તેમને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મળ્યું છે,
વળી દીગુભાની ઉમર નાની છે પણ વિચારોમાં પીઢતાનો અહેસાસ જોવા મળે છે અને એટલે જ તો પક્ષે તેમને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેનું મોભાદાર સ્થાન આપ્યું છે જો કે આ પદ અંગે mysamachar.in સાથે દિગુભા વિનમ્રતાથી જણાવે છે કે કોંગ્રેસ પક્ષે મને જવાબદારી સોંપી છે તે સારી રીતે નિભાવવા સંગઠનને મજબુત બનાવવા તેમજ ચુંટણીઓમાં વિજય મેળવવા જરૂરી તમામ પ્રયાસો કરીશ ઉલ્લેખનીય છે કે શહેર પ્રમુખપદ એવી બાબત છે કે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ તેની નોંધ લેવાતી હોય છે,
તમને તક મળશે શહેર પ્રમુખ તરીકેની એવી આશા હતી? તેવા પ્રશ્ર્નના જવાબમાં દિગુભા જણાવે છે કે કોંગ્રેસ હંમેશા યોગ્ય હોય તેને યોગ્ય તક આપે જ છે, તે પછી નાનામાં નાનો કાર્યકર હોય તો પણ તેને કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી, મારા 60 લોકોના પરિવારમાં કોઈ રાજકારણમાં નથી છતાં પણ મને પક્ષે આટલા મોટા મહાનગરનો પ્રમુખ બનાવ્યો તે મારા વ્યક્તિગત ગૌરવ લેવા જેવી વાત છે અને કોંગ્રેસમાં કામ કરે તેની કદર થાય છે તેમ mysamachar.in સાથે વાતચીત દરમિયાન ઉમેર્યુ હતુ, જામનગર મહાનગરપાલીકાની ચુંટણીનો પ્રતિષ્ઠાભર્યો જંગ લડાશે તે અંગે તેમણે જણાવ્યુ હતુ કે આગામી મનપાની ચુટણીમાં અમે એક જુથ થઈને લડીશું અને તે પહેલા હાલ સંગઠનના માળખાની તૈયારીઓ ચાલી રહી છે શહેરના દરેક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર છે જ તેમનામાં હાલ અમે નવું જોમ પુરવાનું કાર્ય કરી રહ્યા છીએ,
તમારી પાર્ટીમાં જ કેટલાય કોર્પોરેટરો અને આગેવાનો પક્ષ પલટા કરે છે તેના વિષે શું કહેશો? તે સવાલના જવાબમાં દિગુભાએ કહ્યું કે અમારા કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર ચુંટણી લડીને જીતેલા કેટલાય કોર્પોરેટરો આગેવાનો પોતાના વ્યકિગત સ્વાર્થ માટે અને ક્યારેક સરકારના દબાવમાં આવી જઇને ભાજપમાં ભળી જાય છે, પણ હવે જામનગર શહેર પુરતું આવું નહિ થાય અને દરેક કાર્યકરને યોગ્ય સ્થાન મળે તેવા પ્રયાસો કરવાની દિશામાં મારા આવ્યા બાદ હું આગળ વધી રહ્યો છું તેમજ જ્ઞાતિ બેલેન્સ જાળવી સંગઠન મજબુત કેમ થાય તે અત્યારે પ્રાયોરીટી છે માટે હવે કોંગ્રેસમાંથી પલટો થાય તે ભુતકાળ બની જાય તે દિશામા પ્રમાણીક જહેમત ઉઠાવાઇ રહી છે,
દિગુભાએ આ તકે હરીફ પક્ષને આડે હાથ લેતા જણાવ્યુ હતુ કે ભાજપ ભલે અમારા અવગુણ ગાઈ રહ્યું હોય પણ અત્યારે ભાજપ પક્ષમાં આંતરિક દેકારો બોલી રહ્યો છે અને ઉમેર્યુ હતુ કે ચુંટણી પહેલા નવા ચહેરાની વાતથી ભાજપના કેટલાક જુના જોગીઓના પેટમા તેલ રેડાયું છે અને તે અસંતોષ ટૂંક સમયમાં બહાર પણ આવશે તેમ પણ ઉમેર્યુ છે,
મહાનગરપાલીકાની ચુંટણી સંદર્ભે દીગુભાએ વધુમા જણાવ્યુ હતુ કે અમે આગામી મનપાની ચુંટણીમાં જ્ઞાતિ બેલેન્સ, શિક્ષિત યુવાઓ, મહિલાઓ, અનુભવી આગેવાનોને મેદાને ઉતારીશુ અને રણનિતીના ભાગરૂપે ભાજપે અઢી દાયકાના શાસનમાં ખરેખર લોકહિતમાં શું કર્યું ?તે પ્રજા સમક્ષ લઇ જશું અને લોકો અમને આશિર્વાદરૂપી મત આપશે તો અમે શહેરની કાયાપલટ કરી બતાવીશું હા અમે ભાજપની જેમ કેટલા કોર્પોરેટરો ચુટાઈ આવશે તેવા ખોટા દાવાઓ કરવામાં માનતા નથી પરંતુ સતા સુધી પહોચી અને ભાજપના હાથમાં કઈ રીતે સતાની ખુરશી કબજે કરી અને લોકોને શહેરમાં સુખ સુવિધા શું છે.
તેનો અહેસાસ સતા પર આવીને કરાવીશું અને અમારી બેઠકોનો આંકડો આ વખતે અમે નહી પણ ભાજપથી ત્રસ્ત શહેરીજનો સતા પલટો કરી અને નક્કી કરી દેશે, આ તકે તેમની રાજકીય સુઝથી દિગુભાએ એમ પણ જણાવ્યુ હતુ કે જામનગર શહેરી વિસ્તારમાં 50000 થી વધુ યુવા મતદારોનો ફાયદો ભલે બીજેપી પોતાને ગણાવતી હોય પણ મતપેટીઓ ખુલશે ત્યારે ખ્યાલ આવી જશે કે આજના યુવાઓની પસંદ કોણ છે, અને અમને વિશ્વાસ છે કે યુવાઓ ખોટા વચનોથી કંટાળી ગયા છે અને આ વખત પંજાના નિશાન પર ભરી ભરીને મતદાન કરશે અને કમળને ઉખેડીને અઢી દાયકાના મનપા પરના શાસનનો અંત લાવવામાં યુવા મતદારો ચાવીરૂપ ભૂમિકા ભજવશે,
દિગુભા જાડેજાએ ખાસ વાતચીત વખતે ભાજપના અઢી દાયકાના શાશન પર ચાબખા મારતા કહ્યું કે અઢી દાયકામાં કેટલી સમસ્યાઓનું નિરાકરણ થયું તે સૌ જાણે છે ત્રણ લાખ જેટલા લોકોનો જે નવો વિસ્તાર મનપામાં ભાળ્યો છે તેની હાલત કફોડી છે, જ્યા સુવિધા કંઇ નથી અને મકાનનો પાયો નખાય ત્યાજ મનપા વોટરટેક્સ હાઉસ ટેક્સના ઉઘરાણા પોતાની તિજોરી ભરવા શરુ કરી દે છે, ઉપરાંત શહેરમાં આડેધડ આપવામાં આવેલ બિલ્ડીંગોની મંજૂરીઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે તેના ઉકેલ માટે મનપાના શાશકોએ શું કર્યું તે આજની તારીખે પણ શહેરના રસ્તાઓ પર નજર કરતા જોવા મળે છે,
વળી આજની યુવા પેઢી માટે રમતગમત માટે કોઈ મેદાન નથી તો વિવિધ ભરતીઓની પરીક્ષાઓ આવતી હોય તેના માટે આટલા વર્ષોમાં કોઈ ટ્રેનીંગ સેન્ટર ભાજપે જો ક્યાં બનાવાયું હોય તો બતાવવું જોઈએ, આવડા મોટા શહેરમાં એક સારી લાયબ્રેરીના હોય તો શું કહેવું? માટે હવે લોકોએ પણ પોતાની માનસિકતા આવનારી ચુંટણીઓમાં બદલવી પડશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ,
રાજ્યના દરેક મોટા શહેરમાં મનપા સંચાલિત સ્મશાન છે આપણી કોર્પોરેશેન અઢી દાયકાના શાશનમાં શું કર્યું તો કે કાઈ નહિ તે કેટલી કમનસીબી ગણાય? તેવો સવાલ પણ તેમણે કર્યો છે, ખાસ કરીને ટીપી સ્કીમો પણ જ્યાં માલેતુજારોને ફાયદો થયા તેવી મંજુર થાય છે. બાકી શહેરના વિકાસ માટે આ મનપાના શાશકો કે ભાજપ પક્ષે શું કર્યું તેનો હિસાબ પણ લોકોને આપવો જોઈએ તેવો પડકાર પણ દિગુભાએ ફેંક્યો છે, mysamachar.in ની ખાસ મુલાકાતમાં દીગુભાએ અંતમાં જણાવ્યુ હતુ કે આવનારી ચુંટણી માટે અમે અમારું સંગઠન છે તેનાથી વધુ મજબુત કરવાની દિશામાં આગળ વધીએ છીએ, જેમાં વોર્ડવાઈઝ, બુથવાઈઝ કામગીરી થશે અને અમને વિશ્વાસ છેકે સંગઠન મજબુત કરી અને અમે આવનારી ચુંટણીમાં ચોક્કસ વિજયી થઇશું.