Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
તાજેતરમાં કચ્છમાં અને તે બાદ પાટણમાં સત્યના પારખા કરાવવા માટે કેટલાક લોકોના હાથ ઉકળતા તેલમાં નખાવામાં આવ્યા હોવાની ઘટના હમણાની જ છે ત્યાં દેવભૂમિ દ્વારકાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ભારે આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ કહી રહ્યા છે કે માં ભલે સાવકી હોય પણ આવું કરે..? ત્યારે આટલી ગંભીર ઘટના બાદ પોલીસ પગલા ભારે તેવી લોકોની માંગ પણ ઉઠી રહી છે,
વાત કઈક એવી છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામા રહેતા એક પરિવારની બાળકી પર બહારના કોઈ નહિ પરંતુ ઘરમાં રહેલી તેની જ સાવકી માતા દ્વારા ઝુલમ ગુજારવામાં આવી રહ્યો છે, બાળકીને તેની સાવકી માતા ગરમ કરેલા તાવિયાથી ડામ દેતી હોય, ગળામાં ફાંસો નાખી પજવતી હોય અને બટકા ભરવા જમવાનું ન દેવા વગેરે હરકતો કરતી હોવાની વાત આ બાળકી ખુદ પોતે વાઈરલ વિડીયોમાં કરી રહી છે, આ વિડીઓ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે, અને ખુદ બાળકી વિડીયોમાં કહી રહી છે કે તેનું ગળું દબાવવામાં આવ્યું છે. ત્યારે દીકરીની આ કબુલાત બાદ પોલીસ કેવા પ્રકારના પગલા ભરે છે તે જોવાનું છે. આ મામલે દ્વારકા એસપી સુનિલ જોશીનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો પણ તેમના તરફથી હાલ સુધી કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. ત્યારે આ અત્યાચાર મામલે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી અને પગલા ભરે તે ઇચ્છનીય હોવાનું લોકો માની રહ્યા છે.
જો કે સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ મામલે પરિવારે આંતરિક સમાધાન કરી લીધું છે, પરિવારમાંથી કોઇએ ફરિયાદના કરતા ઘર મેળે સમાધાન કરી લીધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમાધાન તો પરિવારના લોકોએ કર્યું છે. પરંતુ આ બાળકીનો શું વાંક હતો કે તેને આટલું દુખ સહન કરવુ પડ્યું હતું જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે, કોઈ સંસ્થા સામે આવીને ફરિયાદ કરે છે કે શું કે પછી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. ખંભાળિયામાં સાવકી માતાએ બાળકીને માર માર્યો હોવાના વાયરલ વીડિયોને લઈ અનેક સવાલો ઉભા થયા છે. જોકે,આ મામલે કોઈ પણ ફરિયાદ દાખલ કરાઈ નથી. તેનું કારણ શું હોઈ શકે તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.