Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાંથી પસાર થતાં હાઈ-વે માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ફોરલેનનું કામ ચાલી રહ્યું છે. અહીં વરસાદી પાણીના નિકાલ સહિતના મુદે સ્થાનિકોને વ્યાપક મુશ્કેલી સંદર્ભે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા નજીક આવેલા દેવળીયાથી કુરંગા ગામ વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ફોરલેન સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે. મંથર ગતિએ ચાલતા આ કામથી હાલ ચોમાસામાં વાહનચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહીં, ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર લાલપુર બાયપાસ ચોકડી પાસેના નિર્માણાધીન ઓવર બ્રિજની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે.
આ સર્વિસ રોડની ઊંચાઈના કારણે ચોમાસામાં આ સ્થળે આવેલી વિવિઘ દુકાનોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાવાની પુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રોડનું સ્તર ઉપર આવી જતા નજીકના ખેતરોમાં પણ પાણી ભરાતા વ્યાપક નુકસાની થવાની દહેશત પણ વ્યક્ત કરાઈ રહી છે. આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના વડપણ હેઠળ ખંભાળિયા પંથકના ખેડૂતો તથા વેપારીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી, આ મહત્ત્વના મુદ્દે તાકીદે નક્કર પગલાં લઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.