Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જગતમંદિર દ્વારકામાં વર્ષમાં ઉજવાતા બે તહેવારોનું વિશિષ્ટ મહત્વ ભક્તો માટે છે, જેમાં એક ફૂલડોલ ઉત્સવ તો બીજો જન્માષ્ટમી ઉત્સવ છે, દરવર્ષે આ બન્ને ઉત્સવ દરમિયાન રાજ્ય અને રાજ્ય બહારથી લાખોની સંખ્યામાં ભક્તો અહી આવી પહોચે છે, ત્યારે આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી થશે કે કેમ તેને લઈને સૌની મીટ મંડાયેલી હતી, પરંતુ અંતે આજે આ મામલે તંત્રે જન્માષ્ટમી નિમિતે રાબેતા મુજબ ખુલ્લું રહેશે તેવી જાહેરાત કરતા કૃષ્ણભક્તોમાં આનંદ છવાઈ ગયો છે,
જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે. હાલ કોરોના મહામારી જેવી પરિસ્થિતિમાં વીરપુર, નાથદ્વારા જેવા ધર્મસ્થળો આ દિવસોમાં વધુ પડતી ભીડની આશંકા સાથે દર્શનાર્થીઓ માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવતા દ્વારકાના જગતમંદિર ખાતે આ દિવસોમાં દર્શન ખુલ્લા રહેશે કે કેમ તે બાબતે ભક્તજનો, યાત્રાળુઓ તથા દ્વારકાના રહીશો અને વેપારીઓમાં ભારે ગડમથલ સાથે તંત્રના આદેશ સામે મીટ મંડાઇ હતી.
આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ એમ.એ.પંડ્યા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એક યાદી મુજબ દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના દિવસો દરમ્યાન મંદિરના દર્શન નિયત કલાકો દરમ્યાન દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લા રાખવામાં આવનાર છે.જો કે આ દરમિયાન કોરોના ગાઈડ લાઈનની ચુસ્ત રીતે અમલવારી કરી, મંદિરમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ જે તે સ્થળે કુંડાળા (સર્કલ) કરી, આ અંગેની વ્યવસ્થા કરવાનું પણ વધુમાં જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરની ઓફિસિયલ વેબસાઈટ www.dwarkadhish.org ઉપર લાઇવ દર્શનની સુવિધા પણ રહેશે. તેનો લાભ એવા ભક્તોને વધુમાં જણાવાયું છે.કોરોનાના કપરા કાળમાં દ્વારકા કે જે મહદ્અંશે પ્રવાસીઓ અને યાત્રાળુઓ પર નિર્ભર બની રહે છે, અહીં જન્માષ્ટમી પર્વે દર્શનની છૂટ આપવામાં આવતા ખાસ કરીને નાના મોટા વેપારીઓએ તથા હોટેલ સંચાલકોએ રાહતનો દમ ખેંચ્યો છે.



























































