Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના લોકપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યની સુવિધા, વેક્શિનેશન, મહેસૂલ વિભાગની કામગીરી, વાવાઝોડા સંદર્ભે સહાયની ચૂકવણી, જમીન રી-સર્વે, જિલ્લા પુરવઠા વિભાગ, પીવાના પાણીની સવલતો, શિક્ષણ, આંગણવાડી કેન્દ્રો, ખેતીવાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ, નર્મદા જળ સંપતિ કલ્પસર યોજના હેઠળના કાર્યો, એ.ટી.વી.ટી. હસ્તકના કામો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કાર્યોની,વીજળી અને નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા અંતર્ગત હાથ ધરાયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મંત્રીએ જિલ્લામાં રોડ-રસ્તાઓના સમારકામ અને કોરોના મહામારીના કારણે લોકોને પુરતી સુવિધા મળી રહે તેમજ જિલ્લામાં દરેકને પીવાનું પાણી મળી રહે તે અંગે ચર્ચા કરી હતી. તેમણે આ તકે આરોગ્યની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સબંધિત વિભાગોને લોકપ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ જિલ્લામાં કોરોના અને મ્યુક્રોમાઈકોસિસના એક્ટિવ કેસો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા કોવીડ ટેસ્ટિંગ, કોરોના સંક્રમિત દર્દીઓને કોરેન્ટાઇન કરવા, હોમ આઇસોલેશન તેમજ વેન્ટિલેટર અને જિલ્લાની હોસ્પિટલમાં કોવિડ બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે ચર્ચા કરી હતી.
કોરોના રસીકરણની કામગીરીમાં વેગ લાવવાની સાથે ટેસ્ટિંગ વધારવા અને RT-PCR રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ થાય તેમજ ઇમર્જન્સીવાળા દર્દીઓને હોસ્પિટલમાં તુરંત દાખલ થાય તે બાબતની તકેદારી રાખવા જણાવ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર કે.એમ.જાની, દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.