Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં JKTL ખાનગી કંપની દ્વારા લાકડિયા- ભચાઉ -એસ્સારથી ભટ્ટગામ સુધીની જે 400kv ની વીજ લાઇન ઉભી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં ખેડૂતોએ સતત ત્રીજા દિવસે વિરોધ કરવામાં આવ્યો હતો કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી લીધા વગર કામ કરવામાં આવતા ખેડૂતોએ ના પાડવા છતાં કંપની દ્વારા જબરદસ્તીથી કામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં પહેલા દિવસે ખેડૂતોએ યોગા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો તો એક દિવસ માનવ સાંકળ રચી વિરોધ કર્યો હતો ત્યારબાદ વીજ પોલ પાસે બેસી જઈ ખેડૂતોએ રામધૂન બોલાવી હતી.
ગઈકાલે સાંજે 5 વાગ્યે કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરતા ખેડૂતો સ્થળ પર પહોંચ્યા હતા ખેડૂતોએ લેબર લો અને મજૂર સુરક્ષાના કાયદાઓ બાબતે માહિતી માંગતા અને જે ખેડૂતોના ખેતરમાં કામ ચાલુ હતું તે ખેડૂતોની મંજૂરી દર્શાવતું પરિશિષ્ટ અ માંગતા કંપની પાસે માગ્યા મુજબના કાગળ હાજર ન હોય કંપની વાળાઓ સ્વેચ્છાએ કામ બંધ કરી ચાલતી પકડી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટકો અને ખાનગી કંપનીઓની મળી કુલ 8 થી 10 વીજ લાઇન પસાર થાય છે ત્યારે આ તમામ વીજ લાઇનથી પીડિત ખેડૂતોને આવતીકાલે સવારે 10 વાગ્યે કલેકટર ઓફીસ દેવભૂમિ દ્વારકા ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે અત્યારે એક વીજ લાઇન સામે ચાલતી લડત આવનાર દિવસોમાં બધી જ વીજ લાઇનના ખેડૂતો સયુંકત રીતે લડત કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
આવતીકાલે ખેડૂતો એકઠા થવાના છે તેમાં ગુજરાતના ખેડૂત આગેવાન સાગર રબારી, રાજુ કરપડા, રતનસિંહ ડોડીયા અને પાલ આંબલિયા આ લડતમાં ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપશે અને આગામી દિવસોમાં આ મહાકાય કંપનીઓ સામે કેમ લડત કરવી તેની રણનીતિ ઘડવામાં આવશે વીજ કંપનીઓ સામે દ્વારકા જિલ્લામાંથી લડતનું જે રણસિંગુ ફૂંકાયું છે તે આવનારા દિવસોમાં કદાચ ગુજરાત વ્યાપી બને તો પણ નવાઈ નહિ.