Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના એક ખેડૂતનો બળદ આંખના કેન્સરથી પીડાતો હોવાની GVK-EMRI 1962 સંચાલિત મોબાઈલ પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટરને જાણ કરતા બે વેટરનરી ડોક્ટરોએ બળદની આંખમાંથી કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન કરી બળદને નવજીવન આપ્યું હતું. મોબાઈલ પશુ દવાખાનું અનેક પશુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ મોટા કાલાવડ ગામના ખેડૂત સુનિલભાઈ વાવનોટિયાનો બળદ આંખના કેન્સરની બીમારી સામે ઝઝૂમતો હોવાથી GVK-EMRI 1962 સંચાલિત હરતા-ફરતા પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટરને જાણ કરાઈ હતી. જેને પગલે વેટરનરી ઓફિસર ડો. દિલીપભાઈ ગોજીયા અને નિલેશભાઈ પિંડારીયાએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ તપાસ કરતા ઓપરેશનની જરૂર જણાય હોવાથી તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યુ હતું.
ડોક્ટરોના અથાગ પ્રયત્ન અને અનુભવથી બળદની આંખમાંથી સડો દૂર કરી કેન્સરની ગાંઠના ઓપરેશન દ્વારા બળદને પીડા મુક્ત કરાયો હતો. સર્જરી વેળાએ હરતા ફરતા દવાખાનાના પાયલોટ ભરતભાઇ વિંઝુડા અને ધર્મેન્દ્રસિંહે ડોક્ટરોને મદદ કરી હતી. આ તકે ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં જો વિલંબ કરવામાં આવે તો કેન્સરની ગાંઠ મગજ સુધી પહોચી જાય છે જેથી પશુઓના મોત પણ થઈ શકે છે. ઓપરેશન સમયે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કારમુર સહિતના અગ્રણીઓ હજાર રહ્યા હતા. GVK-EMRI 1962 ના પ્રોજેકટ મેનેજર ડો.ધવલભાઈ વાઘેશ્વરી અને પ્રોજેક્ટ કોર્ડીનેટર જયદેવભાઈ રતને ડોક્ટરોની સેવાની બિરદાવી હતી.