Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનું વધતું સંક્રમણ હવે લોકો માટે ચિંતા સાથે ભયજનક બની રહ્યું છે. આ વચ્ચે સરકારી આરોગ્યતંત્ર પણ ટુંકુ પડી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લામાં કોરોના ટેસ્ટના પરિણામની તદ્દન ધીમી કામગીરીથી સંક્રમણ વધે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી એક માત્ર સરકારી કોવિડ હોસ્પિટલ કે જે ખંભાળિયામાં કાર્યરત છે, અહીં RTPCR ટેસ્ટના સેમ્પલ અપાયા બાદ પાંચ-છ દિવસ પછી તેના રિપોર્ટ આવે છે. જ્યારે ગંભીર બાબત તો એ છે કે આટલા દિવસના સમયગાળામાં કોરોના સંક્રમિત દર્દી અન્ય અનેક લોકોના સંપર્કમાં આવતા તેનું સંક્રમણ વધે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આવી જ પરિસ્થિતિ ખાનગી લેબોરેટરીમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ માટે બની રહી છે.
ખંભાળિયામાં આવતા કોરોનાના સેમ્પલ જામનગરની ટેસ્ટિંગ લેબ ખાતે મોકલવામાં આવે છે. જેમાં વર્કલોડ હોય, એકાદ સપ્તાહ જેટલો સમય નીકળી જાય છે. આ ગંભીર બાબત વચ્ચે મહત્વનો મુદ્દો એ છે કે આશરે એકાદ પખવાડિયા પહેલાં રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા આઠ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ અંગેની લેબોરેટરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહીં આજ સુધી આ લેબ શરૂ થઈ નથી.
અહીં આ લેબ શરૂ થતાં હજુ એકાદ સપ્તાહ જેટલો હજુ પણ સમય નીકળી જશે તેમ જાણવા મળેલ છે. કોરોનાના વધતા જતા કેસોની ચિંતાજનક બાબત સાથે મોડા આવતા ટેસ્ટ રિપોર્ટએ પણ લોકોમાં ચિંતા વધારી દીધી છે. આ બાબતે સંબધિત તંત્ર અને રજૂઆતો પણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ દર્દીના રેપિડ ટેસ્ટ કરી આપવામાં આવે છે. જેનું પરિણામ તો તરત આવી જાય છે. પરંતુ આ પરિણામોની વિશ્વસનીયતા સામે હજુ પણ લોકોમાં પ્રશ્નાર્થ છે.