Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં કુલ 28 પૈકી 26 સભ્યો ભાજપના અને કોંગ્રેસ તથા બસપાના એક-એક સભ્ય ચૂંટાયા છે. આગામી પાંચ વર્ષ માટે ચૂંટાયેલા આ સભ્યોમાં આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચુંટણી આજરોજ સોમવારે યોજાઇ હતી. ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા કે જેનો મુખ્ય એજન્ડા નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સાથેનો હતો, આ બેઠક ખંભાળિયા નગરપાલિકાના સભાગૃહ ખાતે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં નવા ચૂંટાયેલા તમામ 28 સભ્યો હાજર રહ્યા હતા.
ખંભાળિયા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શેખ ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે ભાજપના ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના રમેશભાઈ સુંદરજીભાઈ રાયચુરા (જગુભાઈ રાયચુરા) વરણી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર સાતના સદસ્યા હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યના નામની જાહેરાત કરાઇ હતી. આ સાથે શાસક પક્ષના નેતા તરીકે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ઘઘડા તથા દંડક તરીકે સોનલબેન નાથુભાઈ વાનરીયાની વરણી પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી.