Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ચાર ધામોમાંનું એક યાત્રાધામ એટલે દ્વારકા…આ મંદિર સાથે દેશ વિદેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે, અને તેમાં પણ વર્ષમાં મંદિર પરિસરમાં ઉજવવામાં આવતા બે મહોત્સવ જન્માષ્ટમી અને ફૂલડોલ ઉત્સવ આ બન્ને ઉત્સવોનું ભાવિકોને મન અનેરું મહત્વ છે, અને આ ઉત્સવો દરમિયાન ભાવિકોનું ઘોડાપુર મંદિરમાં ઉમટી પડે છે, ત્યારે આ વખતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભાવિકોને જગતમંદિર દ્વારકામાં નહિ મળે પ્રવેશ…આ માહિતી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિ દ્વારા સતાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે…
આગામી હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને દર વર્ષે દ્વારકા ખાતે યોજાતો ફૂલડોલ ઉત્સવ આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. કારણ કે એકતરફ રાજ્યમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે એવામાં અહી ફૂલડોલ ઉત્સવમાં 2 લાખથી વધુ શ્રધ્ધાળુઓ દેશ વિદેશથી આવે તો સોશ્યલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થાઓ જાળવવામાં સાનુકુળ પરિસ્થતિના રહે તે માટે દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિ ફૂલડોલ ઉત્સવ ભાવિકો માટે બંધ રાખ્યો છે. તો ફૂલડોલ ઉત્સવ મનાવવા રાજ્ય અને રાજ્ય બહારથી પણ અમુક પગપાળા યાત્રિકો દ્વારકા પહોચતા હોય છે. અને કાળિયા ઠાકોરના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરે છે,
સર્વવિદિત છે તેમ ફૂલડોલ ઉત્સવમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓના માનવ મહેરામણ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોની અમલવારી શક્ય ના બની શકે તે માટે વ્યવસ્થાપન સમિતિ દ્વારા આગામી તા. 27 થી 29 એમ ત્રણ દિવસ દરમિયાન ભાવિકો માટે મંદિર દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ઉત્સવ દ્વારકાધીશ મંદિરની વેબસાઈટ www.dwarkadhish.org ઉપર લાઈવ દર્શન થઈ શકશે.