Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સરકાર દ્વારા બાંધકામ સબંધી કાયદો સરળ કરવાની સાથે-સાથે તેનો ઉપયોગ શહેરી વિસ્તારોની સાથે સાથે દ્વારકા શહેરમાં પણ જોવા મળ્યો છે. બાંધકામના પરવાના સહિતના નવા કાયદાઓની સરળ પ્રક્રિયાને લીધે લોકોની સુખાકારીમાં વધારો થયો છે. પરંતુ બાંધકામની ઓનલાઈન મંજૂરી મેળવવાની સાથે સાથે તેને સંલગ્ન અમલવારી પણ થાય તે એટલું જ જરૂરી છે. દ્વારકામાં ઓનલાઈન મંજૂરી મેળવી બિલ્ડરો દ્વારા કામો શરૂ કરાયા છે પરંતુ કમનસીબે માગ્યા મુજબની મંજૂરી સબબના કામોમાં નિયમોના સરેઆમ ભંગ કરાતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
હાલમાં જ દ્વારકાના નાગેશ્વર રોડ પર અંબુજા નગરમાં વ્રજ ડેવલપર્સ રહેણાંક હેતુ માટેના પ્લોટ નં.108 તથા 109 પર આવેલ બીલ્ડોંગમાં રેસીડેન્શીયલ ફલેટસનું ઓનલાઈન મંજૂરી માંગી બાંધકામ કરેલ છે. આ કામના બિલ્ડર દ્વારા ઓનલાઈન મંજૂરી મેળવ્યા બાદ ગેરકાયદે બાંધકામ હાથ ધર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો પરેશ ઝાખરીયા દ્વારા કરી અને લગત વિભાગોને ફરિયાદ કરવામાં આવી છે, અરજીમાં જણાવ્યા મુજબ પાંચ માળની મંજૂરી મેળવી સાત માળનું ગેરકાયદે બાંધકામ કરેલ છે, એફ.એસ.આઇ. મુજબના બાંધકામ કરતાં ખૂબ વધારે બાંધકામ વાસ્તવિકતામાં કરી લીધેલ છે, રેરાના નિયમોનું પાલન કરેલ નથી, જી.ડી.સી.આર. પ્રમાણે જણાવેલ સ્ક્વેરફીટ/મીટર થી વધારે બાંધકામ કરેલ છે.
બિલ્ડર દ્વારા કરાતા ગેરકાયદેસર બાંધકામ પણ એક પ્રકારનું દબાણ જ કહી શકાય અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાય. જેથી આવા ગેરકાયદે બાંધકામો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહીની સાથે સાથે રેરાના નિયમોના ભંગ બદલ નિયમાનુસાર ફોજદારી ફરીયાદ કરી ડોમોલીશનની કામગીરી કરી દંડની પણ વસુલાત કરી દાખલો બેસાડવો જોઈએ. જેથી કરીને નાના રોકાણકારો આવા બિલ્ડરના ભ્રામક પ્રચાર અને લાલચમાં ન આવે તેવી વાસ્તવિકતા દ્વારકા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ન.પા.ના સદસ્ય પરેશ એસ. ઝાંખરીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વાસ્તવિકતા દર્શાવી તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.