Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
થોડા સમય પૂર્વે બીટકોઈન કેસમાં પત્રકાર પરિષદ યોજી બાદમાં જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને જશપાલસિંહ જાડેજા સહિતના પર અવારનવાર આક્ષેપો કર્યા બાદ જાણીતી જામનગરની મહિલા નિશા ગોંડલિયા ખુદ પોતે જ વિવાદોમાં સપડાઈ જવા પામી છે, અમદાવાદ એટીએસ દ્વારા મુકેશ સિંધી અને અયુબ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ એટીએસ ટીમ દ્વારા જયારે તેની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે નિશાએ ખંભાળિયા નજીક પોતે જ પોતાના પર ફાયરીંગ કરાવ્યાની કબુલાત આ બે શખ્સોએ આપી છે, એટીએસ અમદાવાદ દ્વારા ઝડપાયેલા બન્ને શખ્સો મુકેશ સિંધી અને અયુબ દરજાદાનો કબજો દેવભૂમિ દ્વારકા એસઓજીએ સંભાળી અને બન્નેને કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવતા કોર્ટે બન્ને શખ્સોના 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
ખુબ જ ચર્ચાસ્પદ બનેલા આ બનાવમાં નિશાના કહેવાતા મિત્ર લાલાના કહેવાથી નિશા અને લાલાએ સાથે કાવતરું રચીને આ ફાયરીંગનો પ્લાન ઘડી કાઢ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતું હોવાનું સુત્રો જણાવે છે, આ સમગ્ર કેસમાં દ્વારકા પોલીસવડા સુનીલ જોશીના સીધા જ માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે, જયારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે ત્યારે પોલીસ જે હથિયારનો આ ફાયરીંગના કાવતરા માટે બન્ને શખ્સો દ્વારા ઉપયોગ કરવામાં આવેલ તે હથિયાર કોણે આપેલું..? ફાયરીંગનું કાવતરું ક્યાં અને કેવી રીતે ઘડાયું હતું કોના ઇશારે ઘડાયું હતું, અને ફાયરીંગ કર્યા બાદ બન્ને શખ્સોએ આટલો સમય સુધી ક્યા હતા..? આ કાવતરામાં અન્ય કોણ સંડોવાયેલું છે કે કેમ..? આમ આવા અનેક પાસાઓ પર પોલીસ ઝીણવટભરી પૂછપરછ કરી કોઈ કડી છૂટી ના જાય તેવા ઠોસ પુરાવાઓ એકત્ર કરશે.