Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ડીઝલ ભરેલું એક ટેન્કર આરાધના ધામ નજીકના ડાઇવર્ઝનમાં પલ્ટી જતા થોડો સમય દોડધામ મચી ગઈ હતી. જો કે સદનશીબે મોટી જાનહાનિ ટળી હતી, આ અંગેની વિગત મુજબ ખંભાળિયાથી આશરે દસેક કિલોમીટર દૂર “આરાધના ધામ” પહેલા એક પુલનું કામ ચાલી રહ્યું છે. આ પુલને ધ્વસ્ત કરાયા બાદ આ માર્ગ પરનો ટ્રાફિક નજીકના એક ડાયવર્ઝન પર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
સિંહણ ડેમ પાસે કાચા માર્ગ પર કામચલાઉ રીતે રસ્તો બનાવી અને કાર્યરત એવા આ ડાઇવર્ઝન પરથી ખંભાળિયા નજીકની એક કંપનીમાંથી ડીઝલનો ભરીને પોરબંદર તરફ઼ જઈ રહેલા જી.જે. 12 વાય. 9116 નંબરના એક ટેન્કર ટ્રાફિકના કારણે અકસ્માતે સ્લીપ થઈ જતા ડીઝલ ભરેલું ટેન્કર પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું અને પાણીમાં પલ્ટી ગયેલા આ ટેન્કરને કારણે તેમાં જઈ રહેલાં ડ્રાઈવર સહિત બે ને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. જયારે ડિઝલ પાણીમાં ઢોળાઈ ગયું હતું.
આ બનાવ બનતા થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અને ટ્રાફિક નિયમનની જરૂરી કામગીરી કરી હતી. આટલું જ નહીં, કોઈ અઘટીત દુર્ઘટના ન બને તે માટે તાકીદે ફાયરબ્રિગેડ તથા ક્રેઈન મંગાવીને આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું. આમ, ડીઝલ ભરેલા ટેન્કરના અકસ્માતે થોડો સમય ભય સાથે દોડધામ મચાવી દીધી હતી. જોકે કોઈ કોઇ મોટી દુર્ઘટના ન થતાં સૌ કોઈએ રાહતનો દમ ખેંચ્યો હતો.