Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ હાલારમાં અકસ્માતની એક ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, મળતી માહિતી મુજબ ખંભાળિયા- જામનગર હાઈવે પર આજે વહેલી સવારે એક ટ્રક તથા મિલ્કવાન બોલેરો વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા બોલેરોમાં જઈ રહેલા ડ્રાઇવર સહિત બે યુવાનોના કરૂણ મૃત્યુ નિપજયા હતા. આરાધનાધામ નજીક આજે સવારે દૂધ ભરેલા બોલેરો વાહન સાથે આ માર્ગ પર રહેલા એક ટ્રકનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ ગંભીર અકસ્માતમાં દૂધ ભરેલા બોલેરો વાહનના આગળના મોહરાના ભાગનો બુકડો બોલી ગયો હતો. જેના કારણે બોલેરોના ચાલક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના રહીશ એવા નીલકંઠ મકવાણા નામના 22 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે બોલેરોમાં તેમની સાથે જઈ રહેલા રાજકોટના પરેશભાઈ નામના એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાતા માર્ગમાં જ તેમણે અંતિમ લીધા હતા.આમ નવા વર્ષના પ્રથમ દિવસે જ હાલારમાં અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.