Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ઓખામંડળના બેટ દ્વારકા ખાતે ગત સાંજે કોઈ કારણોસર પતિ દ્વારા પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી અને લાશને દાટી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, આ હત્યા નિપજાવી આરોપી પતિ ફરાર થઈ જતા તેને શોધવા માટે ગતરાત્રીના એલસીબી પી.આઈ. જે.એમ.ચાવડા અને એસઓજી ટીમ કામે લાગી હતી, અને રાતભર તમામ શંકાસ્પદ સ્થળોએ જીણવટભરી તપાસ બાદ હત્યારો પતિ વહેલી સવારે જંગલ જેવા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે, આ આરોપીને પકડવો પોલીસ માટે એટલે પણ મુશ્કેલ હતું કે આરોપી મોબાઈલ ફોનનો કે વપરાશ પણ કરતો નહોતો માટે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિવાયની માહિતીઓ મેળવી અને આરોપી સુધી કુનેહથી પહોચવામાં અંતે પોલીસને સફળતા મળી અને હત્યારો પતિ ઝડપાઈ જવા પામ્યો છે, હવે પોલીસ તેની સઘન પૂછપરછ શરુ કરી અને શા માટે અને ક્યારે હતી કરી હતી તે તમામ સવાલોનો જવાબ મેળવી અને રિમાન્ડ માટે રજુ કરશે.
આ ચકચારી બનાવની વિગતો કઈક એવી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અને અગાઉ માછીમારીનો વ્યવસાય કરતા સાલેમામદ સિદ્દિકભાઈ ચમડીયા નામના 48 વર્ષના શખ્સને અગાઉ તેના પત્નિ હવાબેન સાથે બોલાચાલી થઈ હતી. બેટ દ્વારકામાં રહેતા આ દંપતીની નજીક જ હવાબેનના ભાઈ તથા ભાભી રહેતા હતા.દરમિયાન ગઈકાલે મંગળવારે સાંજે હવાબેનના ભાઈ તથા ભાભી તેમને મળવા માટે તેમના ઘરે જતા હવાબેન તેમને મળ્યા ન હતા. આ વચ્ચે તેઓને શંકા જતા હવાબેનના પરિવારજનો તેમના ઘરમાં આવતા આ મકાનની લાદી ઉખડેલી તથા એક ખૂણાના ભાગે કરવામાં આવેલું ખોદકામ નજરે ચડયું હતું. આ દરમિયાન હવાબેનનો પતિ સાલેમામદ ચમડીયા આ સ્થળેથી નજર ચૂકવીને નાશી છૂટયો હતો. પાછળથી આ ખોદકામના સ્થળેથી માટી વિગેરે હટાવીને જોતા તેમાંથી હવાબેનની લાશ નજરે ચડી હતી. અને તેણીનો પતિ આ સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને બહાર કાઢી, પીએમ અર્થે દ્વારકાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક હવાબેનના ભાઈ ઈસ્માઈલભાઈ સાલેમામદ મલેકની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આરોપી પતિ સામે આઇ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી તપાસ કરતા ગતરાત્રીની ભારે દોડધામ બાદ આરોપી પતિને ઝડપી પાડવામાં દ્વારકા પોલીસ ગણતરીની કલાકોમાં જ સફળ રહી છે.