Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે એક યુવકને બજારોમાં નગ્નઅવસ્થામાં ફેરવી કેટલાક શખ્સોએ વરવી દાદાગીરીનું પ્રદર્શન કર્યું અને ઘટનાના પડઘા છેક ગાંધીનગર રાજ્યસરકાર સુધી પડતા આ મામલાની ગંભીર નોંધ લેવાઈ હતી અને આ પ્રકરણમાં કેટલાક પોલીસ અધિકારીની બદલીઓ અને કેટલાકના સસ્પેન્સનના ઓર્ડરો નીકળતા જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, આ પ્રકરણ હજુ પણ તપાસ હેઠળ છે અને દિવસે ને દિવસે આ પ્રકરણમાં અપડેટ થતા રહે છે, એવામાં આજે દેવભૂમિ દ્વારકા એલસીબી પી.આઈ.જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળની ટીમે વધુ બે શખ્સોની આ કાવતરામાં સંડોવણી ખુલતા ધરપકડ કરી તેના ઘરની ઝડતી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ આ પ્રકરણમાં સંડોવાયેલા અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી તથા માણસીભાઈ ભોજાણી સામે ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાયા બાદ આરોપીઓને જામીન મળ્યા બાદ દ્વારકા પોલીસની દરખાસ્ત પર કલેક્ટરે ઉપરોક્ત નામવાળા પાંચેય શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે, જેમાંથી ત્રણ શખ્સોને વડોદરા મધ્યસ્થ જેલ અને બે ઇસમોને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવાનો હુકમ કર્યો છે.
આ કેસની તપાસ કરતી એલસીબીએ આજે આ ગુન્હામાં આજે વધુ બે શખ્સો વિનોદ ઉર્ફે વીનું ડાડા વિઠલાણી, અને ધના જોધા ભોજાણી રહે બન્નેની એલસીબીએ ગુન્હાહિત કાવતરું એટલે કલમ 120 B હેઠળ ધરપકડ કરી છે. આ ગુન્હો બનવાનું મુખ્ય કારણ ક્રિકેટનો સટ્ટો હતો અને જેને લઈને જે યુવકને નગ્ન કરવામાં આવ્યો તેને દ્વારા કરેલ ટીપ્પણી હતી, અને તે ક્રિકેટનો સટ્ટો વીનું દાડા ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.