Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા શહેરમાં ગઈકાલે ગુનાખોરીની હદ વટાવે તેવો કિસ્સો આગની જેમ પ્રસરી ગયો અને છેક ગાંધીનગર સુધી નોંધ લેવાઈ જતા રેંજ આઈજીને પણ રાતોરાત ખંભાળિયા દોડી આવવાની ફરજ પડી, જેમાં પોલીસ સામે બાંયો ચઢાવનાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારે ચર્ચામાં રહેલા એક યુવાનને કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ અદાવતનો ખાર રાખી, ગઈકાલે સવારે અપહરણ કરીને લઇ ગયા બાદ તેને શહેરના મુખ્ય માર્ગો પર નગ્ન હાલતમાં ફેરવી અને આ શખ્સો પોલીસ સ્ટેશને લઈ જતા આખરે પાંચ શખ્સો સામે પોલીસે ધોરણસર ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.અને ઘટના બની ત્યારે એટલે કે ગઈકાલથી દ્વારકા એસ.પી.સુનીલ જોશી રજા પર હોય હાલ ગાંધીનગરથી ખાસ એસ.પી.ને નિમણુંક આપી, આ બનાવની તપાસ એલ.સી.બી.ને સોંપવા હુકમ કરવામાં આવ્યો છે.
ખંભાળિયા શહેર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં ગોવિંદ તળાવ ખાતે રહેતા ચંદુ અરજણભાઈ રૂડાચ નામના 38 વર્ષીય ગઢવી યુવાન અવાર નવાર “ચારણનો ચોરો” માધ્યમથી ફેસબુક મારફતે અસામાજિક તત્વો તથા પોલીસ સામે કથિત આક્ષેપ સહિતના લાઈવ વીડિયો શેર કરે છે.ચંદુ અરજણ રૂડાચ દ્વારા તાજેતરમાં એક ક્રિકેટના સટ્ટા બાબતે એસીબી પોલીસની કાર્યવાહી સહિતનો વિડિયો ફેસબુક લાઈવમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં કેટલાક શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ વિડીયો અંગેનું મનદુઃખ રાખી અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી તથા માણસીભાઈ ભોજાણી પાંચ શખ્સોએ ગઈકાલે મંગળવારે સવારે ગુનાહિત કાવતરું રચી અને ફરિયાદી ચંદુ રૂડાચને આશરે સાડા દસ વાગ્યે પોતાની કાળા કલરની ક્રેટા કારમાં અત્રે બેઠક રોડ પરથી અપહરણ કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ ચંદુ રૂડાચને ઢોર મારમારી અને અહીંના જુદા-જુદા વિસ્તારોમાં નિર્વસ્ત્ર કરીને ફેરવ્યો હતો.
ફરિયાદી ચંદુ રૂડાચનું અપહરણ થયાની બાબત પોલીસના ધ્યાને આવતા પોલીસ સ્ટાફ મોબાઈલ લોકેશન તથા સીસીટીવી કેમેરાના આધારે જુદા જુદા સ્થળોએ પહોંચ્યો હતો. પરંતુ આરોપી માણસી ભોજાણી તથા કાના જોધા ભોજાણીએ ફરિયાદી ચંદુને બેફામ માર મારી બદનામ કરવાના ઈરાદે નિર્વસ્ત્ર હાલતમાં વિડિયો રેકોર્ડિંગ કરી- કરાવી, અને આ વિડીયો વાયરલ કરાવ્યો હોવાનું જાહેર થયું છે. આટલું જ નહીં આરોપી શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, યુવાનને નગ્ન કરી જાહેરમાં ફુલેકા જેવું સરઘસ કાઢનારા આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા હતા. બિહાર જેવી આ ઘટનાએ એવું તો ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું કે રાજ્યમાં ભારે ચકચાર સાથે સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી ગયેલા આ બનાવના અનુસંધાને ગતરાત્રે રેન્જ આઇ.જી. સંદીપસિંગ ખંભાલીયા ખાતે દોડી આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ગંભીર ચર્ચા વિચારણાઓ કરી હતી. આટલું જ નહી, આ વિવાદાસ્પદ પ્રકરણની આગળની તપાસ એલસીબીને સોંપવા માટેનો હુકમ પણ કર્યો હતો.
તો ઘટનાની ગંભીરતાને જોતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા સુનિલ જોશી હાલ પખવાડિયા માટે રજા ઉપર હોય, તેમનો ચાર્જ એ.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીને સોંપવામાં આવ્યો હતો.તેની પાસેથી ચાર્જ આંચકી લઈને ગતરાત્રીના જ ગાંધીનગર સ્થિત પોલીસ મહાનિરીક્ષક દ્વારા જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ ગાંધીનગરના ઇન્ટેલિજન્સ વિભાગના આઇ.પી.એસ. વિશાલકુમાર વાઘેલાને સોંપવા માટેનો હુકમ થયો છે. હાલ સંભવિત રીતે ટેમ્પરરી નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા આજરોજ બુધવારે પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવું જાણવા મળે છે,
ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણના સોશિયલમીડિયા સાથે પોલીસબેડામાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. યુવાનને નિર્વસ્ત્ર કરીને આશરે અડધો- પોણો કલાક સુધી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફેરવવાના આ બનાવ પ્રકરણમાં માનવ અધિકાર પંચ પણ ઝુકાવે તો નવાઈ નહી. આ સમગ્ર બનાવે ખંભાળિયા શહેર-જિલ્લા ઉપરાંત પોલીસ બેડામાં પણ ભારે ચકચાર જગાવી છે. આ બનાવના વધુ ઘેરા પ્રત્યાઘાતો પડે તો પણ નવાઈ નહિ.