Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધતો જાય છે. જેમાં ખાસ કરીને શહેરના માર્ગો પર રખડતી ધણિયાતી તથા નધણિયાતી ગયો તથા ગૌવંશના લીધે રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયા શહેરમાં સરકારી તંત્ર હસ્તકની ગૌશાળા ન હોવાના કારણે ગૌ સેવાને લગતી સેવાકીય પ્રવૃતિઓ કરતા કાર્યકરો તથા સંસ્થાની આવેલી ગૌશાળાની સેવાઓ ખૂબ જ અપૂરતી સાબિત થઇ રહી છે. હાલની પરિસ્થિતિમાં ખંભાળિયામાં ગૌશાળા અનિવાર્ય છે. અને આ મુદ્દે અવારનવાર તંત્ર સમક્ષ ભક્તોએ રજૂઆતો પણ કરી છે. આના અનુસંધાને ખંભાળિયા શહેરમાં એક ગૌશાળા બને અને રસ્તે રઝળતી ગાયો માટે એક કાયમી આશ્રયસ્થાન તૈયાર થાય તે માટે અહીંના ગૌભક્તો દ્વારા આખરે આંદોલનના મંડાણ કરી અને આત્મવિલોપનની ચીમકી જાહેર કરાઈ છે.
આ અંતર્ગત નગરપાલિકા દ્વારા ગૌશાળા બનાવવામાં આવે તેવી માંગ સાથે જો આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા 44 યુવાનો, કાર્યકરો, ગૌભક્તો દ્વારા તેઓના નામ સાથે આગામી તારીખ 4 ડિસેમ્બરના રોજ બપોરે 4 વાગ્યે આત્મવિલોપન કરશે તેવી ચીમકી જાહેર કરાઈ છે. આ અંગેના વિશાળ બોર્ડ જય ચોકમાં લગાવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યા છે. ગૌ ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવેલી આ ચીમકીએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.