Mysamachar.in-દેવભૂમિ દ્વાકરા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોના અનુસંધાને લોકો મેડિકલ સ્ટોરમાંથી તાવ, શરદી જેવી દવાઓ ઓવર ધ કાઉન્ટર લઈને ઈલાજ કરતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યા ના મુદ્દે તંત્ર દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારની દવા વેચવા ઉપર મનાઈ કરવામાં કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક લોકોને કોરોનાના પ્રાથમિક લક્ષણો એવા શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવા, જેવી ફરિયાદો હોવાથી આવા લોકો સ્વૈચ્છિક રીતે સ્થાનિક મેડિકલ સ્ટોરમાં જઈ અને આ અંગેની દવા લઈ લેતા હોય છે. જેના કારણે સમયાંતરે કોરોનાના વધુ ગંભીર કેસો સામે આવી રહ્યા હોવાની બાબત તંત્રના ધ્યાનમાં આવી છે.
આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે બુધવારે એક જાહેરનામું બહાર પાડી, જિલ્લામાં આવેલા તમામ મેડીકલ સ્ટોરના સંચાલકોએ તેઓના સ્ટોરમાંથી શરદી, ઉધરસ, તાવ, શરીરનો દુખાવો જેવી કોરોનાના લક્ષણોની સામ્યતા ધરાવતી વ્યક્તિઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓવર ધ કાઉન્ટર દવા આપવાની રહેશે નહીં. તેમજ મેડીકલ સ્ટોર ખાતે શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની દવા લેવા આવતી વ્યક્તિઓનું નામ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો મેળવીને આરોગ્યતંત્ર દ્વારા આપેલી ગુગલ શીટમાં દરરોજની વિગતો જે- તે તાલુકા ઓફિસર તથા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને મોકલવાની રહેશે તેમ આ જાહેરનામામાં જણાવાયું છે.