Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા પંથક સાથે સર્વત્ર હાલ કોરોના મહામારીમાં વેપાર ધંધામાં ભયંકર મંદીનો માહોલ છે. ગ્રાહકોની સંખ્યા પણ અમુક દુકાનો સિવાય ક્યાંય જોવા મળતી નથી. તેવા સમયમાં દુકાનોમાં ઘરાકી વગર અને ગ્રાહકોની રાહ જોઈને બેઠેલા વેપારીઓ અથવા એકાદ-બે માણસો સાથે બેઠેલા વેપારી અમુક સમયે તથા ચોક્કસ કારણથી માસ્ક ન પહેર્યું હોય તો આ દુકાનદારને તોતિંગ દંડ કરવામાં આવતો હોવાની ફરિયાદો વેપારીઓમાં ઉઠવા પામી છે. જાહેરમાં માસ્ક ના પહેર્યું હોય અથવા તો દુકાનમાં ગ્રાહક હોય અને માસ્ક ના પહેર્યું હોય તો દંડ કરવો વ્યાજબી છે. પરંતુ હાલ ખંભાળિયામાં માસ્કના દંડનો અતિરેક થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે,
દુકાને નવરા બેઠેલા હોય અથવા ચા-પાણી પીતા હોય, તેવી વ્યક્તિના માસ્ક વગરના ફોટા પાડી પોલીસ- નગરપાલિકા સ્ટાફ દ્વારા રૂ. 1,000/- ના દંડ કરવો કાયદો હાલ કાળઝાળ મોંઘવારી અને મંદીના સમયમાં અતિરેક સાબિત થઈ રહ્યો હોવાનો સુર વેપારીઓમાંથી ઉઠવા પામ્યો છે. આ મુદ્દે વેપારી મંડળ દ્વારા જિલ્લા કલેકટરને એક લેખિત પત્ર પાઠવી, આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને શહેરના વ્યાપારીઓને ઘરાકી વગરના અને નવરાશના સમયે દુકાનોમાં વગર માસ્ક બેઠેલા વ્યક્તિઓને દંડ ન કરવા સંબંધિત તંત્રને જરૂરી સુચના આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.



























































