Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:ધર્મેશ ઉપાધ્યાય
યાત્રધામ દ્વારકાને જોડતા મહત્વાકાંક્ષી નેશનલ હાઇવે રોડમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે કામની ગુણવતા નબળી હોવાનું સામે આવતા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે, ત્યારે હાલ તો મંત્રીઓ રીબીન કાપવા આવે તે પહેલા જ રોડમાં તિરાડો પડતા કામમાં લોટ પાણી લાકડા થયા જેવો ઘાટ ઘડાયો છે. યાત્રાધામ દ્વારકા તેમજ સોમનાથને જોડતાં નેશનલ હાઈવે માર્ગનું હજુ લોકાર્પણ થયું નથી તે પહેલા દ્વારકા નજીકના બરડીયા ગામ પાસે આવેલ ઓવરબ્રીજમાં મસ મોટી તિરાડો પડી જતા પુલના નબળા બાંધકામનો ચિતાર સામે આવે છે,
આ અંગે ઓખામંડળના સ્થાનીય જાગૃત નાગરિકો જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી નબળા બાંધકામ અંગે તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારી સામે પગલાં લેવા માંગ પણ કરી છે, દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર આવેલ બરડીયા ગામ પાસેના ઓવરબ્રીજને 2017ના વર્ષના સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની ત્રણ મોટી વિકાસ યોજના પૈકી ઓખા-બેટ વચ્ચેનો બ્રિજ તેમજ દ્વારકા ગળુ વચ્ચેનો 250 કિમી લાંબો અને કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન માર્ગ બનાવવાની યોજનાઓનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે ચારેક માસ પહેલા જ lockdown ના સમયગાળામાં ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું બ્રિજનું હજુ તો લોકાર્પણ કરવામાં આવ્યું નથી એ પહેલા જ બ્રિજમાં મોટી તિરાડો પડી જતા આ કામ કેવું તેનો ખ્યાલ આવે છે,
સ્થાનિકો અને જાણકારોના મતે આ બ્રિજ ના નિર્માણમાં મસમોટા કથિત ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઇમેજ ને ઠેસ પહોંચી શકે તેમ છે જાગૃત નાગરિકે એ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆત મુજબ જો આ બાબતે નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મસમોટી ગેરરીતી ખુલે તેમ હોવાનું માનવામાં આવે છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં બંને પ્રમુખ યાત્રાધામો વચ્ચેના નેશનલ હાઈવેના નિર્માણમાં જ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે પણ જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લીધે શરમથી ઝૂકવવાનો વારો આવ્યો છે, પોતાનું પાપ ઢાંકવા નેશનલ હાઈવે ઓથોરિટીએ તાબડતોબ રિપેરીંગ કામ હાથ ધર્યું તાલુકાના નાગરિકની ફરિયાદને આધારે તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ બની રહેલ વિડીયો અને લીધે ગતરાત્રીના માર્ગ અને મકાન વિભાગના અધિકારી રાજકોટ કચેરીએથી દોડી આવ્યા હતા.
ગતરાત્રીથી જ આ તિરાડો તેમજ ગાબડામાં થિંગડા મારવાનું કાર્ય શરૂ કરાયું અત્રે ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવિત દ્વારકા ગડુ વચ્ચેનો માર્ગ પૂર્ણ પણે બન્યો નથી અને લોકાર્પણ કરવાનું પણ હજુ બાકી છે,ત્યાં જ આવી દશા થતી હોય તો બાદમાં શું થશે…?lockdown ના ચારેક માસમા જ્યારે વાહનોની ખૂબ ઓછી અવરજવર હોય તેવા સમયગાળામાં ચાર માસમાં આ પુલ માં મસ મોટી તિરાડો પડતા જ્યારે ટ્રાફિક પૂર્વવત થશે ત્યારે આવા નબળા બાંધકામ વાળા પુલના શું હાલ થશે તે પણ વિચારવા જેવું છે જો આ કામમાં ભ્રષ્ટાચારનું ભીનુ સંકેલાશે તો ભવિષ્યમાં ગમે ત્યારે નબળા બ્રિજના બાંધકામને લીધે મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે તેમ હોય આ અંગે સિવિલ એન્જિનિયર ની દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિતો સામે પગલા લેવાય તેવી માંગ કરાઈ છે.