Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જિલ્લામાં છેલ્લા આશરે દોઢેક માસ દરમિયાન કોરોનાના એક પણ પોઝિટિવ કેસ નોંધાયા ન હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહથી ઓછા સમયગાળામાં ચાર પોઝીટીવ કેસ જિલ્લામાં આવી ચૂક્યા છે. ત્યારે આ સંદર્ભે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારના અસરકારક પગલાં હાથ ધરી, કોરોનાનું સંક્રમણ અટકાવવા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે ગુરુવારે દ્વારકા જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડી દ્વારકા જિલ્લામાં પ્રવેશ માટેના વિવિધ માર્ગોને સંપૂર્ણ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં આવતા માર્ગ અને મકાન વિભાગના (રાજ્ય/પંચાયત)હસ્તકના જુદા જુદા 13 રસ્તાઓ, જેમાં ખંભાળિયા અડવાણા પોરબંદર રોડ, ભાણવડ પાછતર રોડ, ખંભાળિયા લાલપુર, રોડ સહિતના મહદ્ અંશે ભાણવડ પંથક સહિતના જુદા-જુદા તેર જેટલા પ્રવેશ માર્ગ પર વિવિધ પ્રકારે રોક લગાવી, આ માર્ગ પરથી વાહન વ્યવહાર ન કરી શકાય તે માટેની સધન કામગીરી કરવામાં આવી છે.અન્ય જિલ્લામાંથી આ જિલ્લામાં અવર જવર કરતા વાહનો પર નિયંત્રણ માટે તથા દ્વારકા જિલ્લાની હયાત ચેકપોસ્ટ પરથી મેડિકલ સ્ક્રિનિંગ થયા બાદ જ આ જિલ્લામાં પ્રવેશ મેળવી શકાય તે હેતુથી આ જુદા જુદા 13 રસ્તાઓને લોક ડાઉનના સમયગાળા દરમિયાન સંપૂર્ણ બંધ કરવાનીનું નક્કી કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં માર્ગ-મકાન (રાજ્ય) વિભાગ અંતર્ગતના ખંભાળિયા અડવાણા પોરબંદર માર્ગ પર અડવાણા પાસે, ભાણવડ પાછતર નાગકા રોડ પર રાણપર પાસે, ખંભાળિયા લાલપુર રોડ પર લાખાસર પાસે ઉપરાંત માર્ગ-મકાન વિભાગ (પંચાયત) હસ્તકના રેટા કાલાવડ સણખલા, રાણા રોજીવાડા, ભવનેશ્વર જારેરા રોડ, ડિસ્ટ્રિક્ટલીમીટ ટુ હાથલા, જસાપર સતાપર રોડ, જોષીપુરા જંબુસર, ભણગોર જોગરા, જામપર મોરઝર, કબરકા ભોરિયા, તથા વાનાવાડ સતાપર રોડ જેવા તેર રસ્તાઓનો સમાવેશ થાય છે.