Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કોરોનાવાયરસની મહામારીમાં કર્મયોગીઓ પોતાની અંગત વિટંબણા-મુશ્કેલી છતાં રાષ્ટ્ર સેવાની ભાવના સાથે લોકહિતમાં ફરજ બજાવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનની અમલવારી માટે સતત રાત-દિવસ કામગીરી કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકામાં લોકોની જાગૃતિ, વહીવટી તંત્ર-પોલીસ તંત્રનું સંકલન અને સતત પેટ્રોલિંગ અને કર્મયોગીઓની સેવા પ્રવૃત્તિની કામગીરીને લીધે કોરોના સામેની લડાઈમાં સફળતા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા મહિલા પોલીસમાં ફરજ બજાવતી ઘણી બહેનોને બાળકો એકદમ નાના છે. ઘોડિયામાં છે, ઘરે તેને સાચવવાની મુશ્કેલી છે છતાં બહેનો પોલીસ અધિકારીઓના સહકાર વચ્ચે સેવા બજાવી રહી છે.
ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાયલબેન મેમરીયા કહે છે કે તેઓ મેટરનીટી લીવ પછી તુરંત જ કોરોનાની આ સ્થિતિને લીધે ફરજ પર હાજર થઈ ગયા છે. બાળક સાવ નાનું છે છતાં ફરજને અગત્યની ગણીને સેવા-ફરજ પર આવે છે. તેઓએ લોકોને ઘરમાં જ રહેવા અને લોકડાઉનના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. બીજા એક મહિલા બહેન કોન્સ્ટેબલ તેઓ પણ ખંભાળિયામાં ફરજ બજાવે છે, મીરાબેન ચાવડાએ કહ્યું છે કે તેઓને ૧૪ વર્ષનો નાનો પુત્ર છે. તેમના પતિ પણ જોબ કરે છે. આ સ્થિતિમાં પણ તેઓ ફરજ બજાવે છે. કોરોનાની આ સ્થિતિમાં તેઓ કહે છે કે, સૌ પરિવારની સાથે ઘરમાં રહી તકેદારી રાખે અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે.