Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કોરોના વાઇરસની મહામારીમાં સમગ્ર દેશ હિંમતપૂર્વક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. તેમાં સૌનો સેવાકીય વિશેષ ફાળો રહેલો છે. આજે કોરોના વાયરસ સામેની લડાઈમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એવા કોરોના વોરિયર્સની વાત કરવી છે કે જે પ્રજાના રક્ષણની સાથે સાથે આ પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોનું પોષણ પણ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસની માનવતાના પુષ્પો જિલ્લામાં અન્ય લોકોને પણ સેવા તરફ પ્રેરી મહેક પ્રસરાવી રહ્યા છે. એલસીબી પોલીસના આ સદાવ્રતમાં ૨૦૦૦ થી ૨૨૦૦ જરૂરિયાતમંદ લોકોને ભોજન મળે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. રોહન આનંદના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા એલસીબી કચેરીની નજીક શરૂ કરાયેલા આ રસોડામાં સેવાકીય કાર્યકરો પણ પોલીસને મદદ કરે છે. કોરોના વાઈરસને લીધે છેલ્લા ૨૧ દિવસથી લોક ડાઉન છે. પહેલા દિવસથી દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસે ગરીબ વર્ગના લોકો માટે આ રસોડું શરૂ કર્યું છે .જેનું સંકલન પોલીસ ઇન્સ્પેક્ટર એમ .ડી .ચંદ્રાવાડીયા કરી રહ્યા છે. એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર મનિષ ચંદ્રાવાડીયાએ જણાવ્યું હતું કે, એસ.પી. રોહન આનંદના માર્ગદર્શન હેઠળ જરૂરિયાત મંદલોકો કે જેમના કામ ધંધા બંધ થવાથી મુશ્કેલીમાં છે, એ લોકોને રાહત મળી રહે તેમના માટે એલસીબી પોલીસના સ્ટાફ તેમજ સેવાભાવી લોકોની મદદથી આ સેવાકાર્ય સૌના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ખંભાળિયાના જુદા જુદા પછાત વિસ્તારમાં જે લોકો રોજેરોજનુ કરીને પોતાનું જીવન ગુજારે છે એમને તેમના ઘરે જઈને ટિફિન એલસીબી પોલીસના આ રસોડામાંથી આપવામાં આવે છે. આસપાસના નજીકના એરીયા ના ૫૦૦થી ૭૦૦ લોકો અહીં સોશિયલ ડીસ્ટનસ સાથે બેસીને ભોજન લે છે.
એલસીબી પોલીસના આ સેવાકાર્યમાં સેવા કરતા સામાજિક કાર્યકર જયદેવ ગોરિયાએ જણાવ્યું હતું કે એલસીબીના પીઆઇના માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્યમાં રોજ જરૂરિયાતમંદ લોકો માટે દાળ ભાત ,શાક ,રોટલી બનાવી ગરમાગરમ ભોજન આપવામાં આવે છે અને વિશેષ લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી વધે તે માટે તાજા ટામેટાનુ સૂપ બનાવીને પણ લોકોને પીરસવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ ઋજુતા જિલ્લાની અન્ય સેવાભાવી સંસ્થા તેમજ લોકોને આવી પરિસ્થિતિમાં સેવા કરવા માટે પ્રેરિત કરે છે.પ્રજાના રક્ષણની સાથે સાથે લોક ડાઉંન ની અમલવારીની જવાબદારી અને વિશેષ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એલસીબી પોલીસ દ્વારા આ માનવતાનું કાર્ય કરવામાં આવ્યું છે તેને જિલ્લાની જનતા દ્વારા આવકારવામાં આવ્યુ છે.