Mysamachar.in-દેવભુમી દ્વારકાઃ
જગપ્રસિદ્ધ દેવભુમી દ્વારકામાં જગતમંદિર નજીક ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોવા અંગે અનેક ફરિયાદો થઇ છતા તંત્ર ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, આ અંગે શ્રી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વીટર પર રોષ ઠાલવી તંત્ર નિષ્ક્રિય હોવાની વાત કરી છે. ધનરાજ નથવાણીએ જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ત્રણ વર્ષ પહેલા જગતમંદિર આસપાસ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યાં હોવાની વાત કરી હતી, તેમ છતા આજદિન સુધી આ મામલે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ધનરાજ નથવાણીનું કહેવું છે કે દ્વારકા નજીક આસપાસના વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે અને જગત મંદિરનું જતન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે દેવભુમી દ્વારકાના જગત મંદિર સાથે દેશભરના કરોડો શ્રદ્ધાળુંઓની શ્રદ્ધા જોડાયેલી છે, વર્ષે કરોડો શ્રદ્ધાળું મંદિરે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જગતમંદિરનો વિકાસ થાય એ સારી બાબત છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામને કારણે મંદિર પરિસર પ્રભાવિત થાય છે, તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઇને આંખઆડા કાન કરવામાં આવી રહ્યાં હોવાના ખુદ રાજ્સાંયસભાના સાંસદે ત્રણ વર્ષ પૂર્વે ટકોર કરી હતી. હવે શ્રી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષે આ મામલે તંત્રને પગલા લેવા રજૂઆત કરી છે. ત્યારે હવે તંત્ર ભરનિંદ્રામાંથી ક્યારે જાગશે તે જોવું રહ્યું.