Mysamachar.in-દ્વારકાઃ
જગપ્રસિદ્ધ શનિ મંદિર હાથલા ખાતે જૂના બૂટ-ચંપલ કે ઉતારેલા કપડા મૂકી જવાની પ્રથા છે. આ પ્રથા પ્રમાણે હજારોની સંખ્યામાં દર્શાનાર્થે આવતા યાત્રિકો જૂના બૂટ-ચંપલ અને કપડા મૂકી જાય છે. ત્યારે મંદિર ખાતે મોટા પ્રમાણમાં બૂટ-ચંપલ અને કપડા એકત્રિત થયા છે, જેને ધ્યાને રાખી કે સેવાકીય સંસ્થા કે વ્યક્તિ આ બૂટ-ચંપલ અને કપડા સ્વીકારી કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને વહેંચી શકે છે. આ સેવાનો ભાગ બનવા ઇચ્છતા વ્યક્તિ કે સંસ્થાએ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને મદદનીશ કલેકટર કચેરી, ખંભાળીયાનો સંપર્ક કરવાનો રહેશે. આ નિર્ણયથી હજારો જરૂરિયાતમંદોને મદદ પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાથલામાં શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં 1500 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા, જેમાં 6 અને 7મી સદીની મૂર્તી, શનિકુંડ સહિતની વસ્તુઓ અહીં મળી આવી હતી. પૌરાણિક માન્યતા એવી છે કે પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. હજારો શનિભક્તો અહીંના શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે.