Mysamachar.in-જામનગર:
વિધાનસભાની ચુંટણીને મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ છે પરંતુ ચુંટણી જાહેર થતાની સાથે જ વહીવટી તંત્ર પોલીસ તંત્ર આનુસંગિક કામગીરીઓને લઈને એક્શન મોડમાં આવી જતું હોય છે, વિધાનસભાની ચુંટણીઓને ધ્યાને લઈને પોલીસ તંત્ર દ્વારા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે અને અટકાયતી પગલા, હથિયારો જમા લેવા, પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે તેના આંકડાઓ સામે આવ્યા છે.
જામનગર શહેર-જિલ્લાની 5 વિધાનસભા બેઠકોની ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુક્ત માહોલમાં પુર્ણ થાય તે હેતુથી પોલીસ તંત્ર સર્તક બન્યુ છે અને 4016 શખસો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં સીટી એ ડિવિઝનમાં 409, સીટી બી ડિવિઝનમાં 661, સીટી સી ડિવિઝનમાં 325 શખસોના અટકાયતી પગલા લેવાયા હતાં. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પંચકોશી-એ ડિવિઝનમાં 180, પંચકોશી- બી ડિવિઝનમાં 248, સિક્કા પોલીસ સ્ટેશનમાં 194, ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 250, જોડીયા પોલીસ સ્ટેશનમાં 260, કાલાવડ ટાઉનમાં 180, કાલાવડ ગ્રામ્યમાં 245, લાલપુર પોલીસ સ્ટેશનમાં 309, શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં 210, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં 378 અને મેઘપર પોલીસ સ્ટેશનમાં ૧૬૭ શખસો સામે અટકાયતી પગલા લેવાયા છે.
તો અલગ અલગ કારણોસર જેવા સ્વરક્ષણ, પાકરક્ષણ, અને સિક્યુરીટી સહિતના કારણોને લઈને હથિયાર પરવાના ધરાવતા પરવાનાધારકોએ પણ ચુંટણી દરમિયાન પોતાના હથિયારો લગત પોલીસ મથકે જમા કરાવવાના હોય જેમાં હથિયાર જમાની વાત કરીએ તો જામનગર શહેર-જિલ્લામાં કુલ 1981 હથિયારોના પરવાના જીલ્લા કલેકટર દ્વારા આપવામાં આપ્યા છે. જેમાંથી 1500 હથિયારો જમા લેવાયા છે. સીટી એ માં 409, સીટી બીમાં 250, સીટી સીમાં 212, પંચ-એમાં 60, પંચ-બીમાં 124, સિક્કામાં 35, ધ્રોલમાં 71, જોડીયામાં 34, કાલાવડ ટાઉનમાં 54, કાલાવડ ગ્રામ્યમાં 143, લાલપુરમાં 134, શેઠવડાળામાં 50, જામજોધપુરમાં 76 અને મેઘપર પોલીસ સ્ટેશનમાં 54 હથિયારો જમા લેવાયા છે. જ્યારે અન્ય પરવાનેદારો જેવા કે, સિક્યુરીટી, ગાર્ડ સહિતને અપવાદ અને મંજુરી સાથે છૂટ અપાઈ છે.