Mysamachar.in-જામનગર:
રાજ્યસરકાર દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત આરટીઓ ચેકપોસ્ટને કાયમીધોરણે નાબુદ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે, અને આજથી તેની અમલવારીને ભાગરૂપે જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ આરટીઓ ચેકપોસ્ટ સહિતની રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરી અને કામગીરી ઓનલાઈનની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ગતરાત્રીના ૧૨:૦૦ કલાકે જામનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો દ્વારા ચેકપોસ્ટ ખાતે ફટાકડા ફોડી અને સરકારને નિર્ણયને વધાવવામાં આવ્યો હતો, સરકારના આ નિર્ણયથી ઇંધણની મોટી બચત થશે. રાજ્યની 16 આરટીઓ ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાને લીધે, વાહન વ્યવહાર વિભાગે ચેકપોસ્ટોને નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની કરવાની વ્યવસ્થા ગોઠવી છે. રાજ્ય સરકારે આ નિર્ણય લીધા બાદ જો કોઈ વાહન ઓવરલોડ જણાશે અથવા નિયમ ભંગ કરતું જણાશે કે પછી ટેક્સની રકમ બાકી હશે તો દંડ કે ટેક્સની રકમ સીધી વાહન માલિકોના ખાતામાંથી જ કપાઈ જશે. દંડ નહીં ભરવાના કેસોને પકડવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે, જે રસ્તા પર ચેકિંગ કરશે. જો કોઈ વાહન ચાલકે ઓનલાઇન દંડ નહીં ભર્યો હોય તો તેની પાસેથી પેનલ્ટી સાથે રકમ વસૂલ કરવામાં આવશે.