mysamachar.in-જામનગર:
અંધાશ્રમ આવાસ કોલોની તરીકે જાણીતા ૧૪૦૪ આવાસ કોલોનીના સ્થાનિકો મોટી સંખ્યામાં આજે કોર્પોરેટર મેરામણ ભાટુની આગેવાનીમાં જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે પહોચ્યા હતા,આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે આવાસ કોલોનીમા મોટાભાગના સજ્જન લોકો વસવાટ કરે છે,પણ છેલ્લા કેટલાક સમયથી અહી વસવાટ કરતાં અમુક અસામાજિક તત્વો દ્વારા દેહવ્યાપાર અને દારૂની બદી એટલી હદે વિસ્તરી ગઈ છે કે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,
આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર ની રજુઆતો છતાં કોઈ પગલા પોલીસ દ્વારા લેવામાં ના આવતા વિસ્તારમાં દેહવ્યાપાર અને દારુની બદી જે દિવસે ને દિવસે વધી રહી છે તેને કારણે સ્થાનિક મહિલાઓ સહિતના લોકોને જીવવું હરામ થઇ ગયું હોય ત્યારે આંજે આ વિસ્તારના સ્થાનિકો કોર્પોરેટર ભાટુની આગેવાનીમાં રજૂઆત અર્થે એસ.પી.કચેરી ખાતે પહોચ્યા હતા,જ્યાં કન્ટ્રોલરૂમ ઇન્ચાર્જ ને આવેદનપત્ર પાઠવી અને દારૂ અને દેહવ્યાપારની બદી ને ડામવા રજૂઆત કરી હતી.
આવેદનપત્ર બાદ કોર્પોરેટર અને સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય પગલા પોલીસ દ્વારા ભરવામાં નહિ આવે તો જનતારેઇડ કરવાની પણ સ્થાનિકોને ફરજ પડશે.