mysamachar.in-જામનગર
તાલુકાના જીવાપર ગામની સહકારી મંડળીમાં પાક ધિરાણનું ભુત ફરીથી ધૂણ્યું હોય તેમ એક ખેડૂતે મંડળી મારફત પાક ધિરાણ લીધું ન હોવા છતાં તેના નામે છ લાખ ઉપરનું પાક ધીરાણ મંડળીમાંથી કોઈએ મેળવી લીધું હોવાનું ધ્યાને આવ્યું છે,ખેડૂતને જ્યારે બાકી લેણાની નોટિસ મળતા આખો મામલો સામે આવ્યો હતો અને જીવાપરની મંડળીમાં ખેડૂતના નામે થયેલ બોગસ વહીવટ સામે આજે ભોગ બનનાર ખેડૂત તેમજ આગેવાનો દ્વારા એસ.પી.ને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે,
જામનગર તાલુકાનાં જીવાપર ગામના ખાતેદાર ખેડૂત તરસીભાઇ ઉર્ફે તુલસીભાઈ પરમાર નાધેડીની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાથી પાક ધીરાણ ઉપાડે છે છતાં તુલસીભાઈ પરમારે જીવાપર સ્વાશ્રમ કૃષિ સહકારી મંડળીમાંથી ધીરાણ લીધું હોય ૨૦૧૪ની સ્થિતિએ તુલસીભાઈના નામે ૬ લાખ ૯૫ હજારનું બાકી લેણું હોવાની ડી.કો. બેંકની રિકવરીની નોટિશ મળતા તુલસીભાઈ ચોકી ઉઠ્યા હતા અને તેમના નામે કોઈએ જીવાપરની મંડળીમાંથી પાક ધીરાણ ઉપાડયું હોવાનું તેવોનું માનવું છે,
આથી જીવાપર ખાતે રહેતા ખાતેદાર ખેડૂત તુલસીભાઈ પરમાર સહિતના જીવાપર ગામના આગેવાનો આજે એસ.પી. કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા શરદ સિધલને રૂબરૂ મળીને જીવાપર સહકારી મંડળીમાં ચાલતા બોગસ ધીરાણ પ્રકરણથી વાકેફ કરીને જીવાપર મંડળીના જવાબદારો નાણાની ઉચાપત કરવા અંગે ફરિયાદ દાખલ કરવા લેખિતમાં મંડળીના હોદેદારોના નામજોગ અરજી કરતાં ચકચાર જાગી છે,
રજૂઆત કરવા આવેલ ખેડૂતો પાસેથી વધુમાં એવી પણ માહિતી મળી રહી છે કે આ રીતે ઉચાપત કરવાનો એક બનાવ નથી,પણ એક થી વધુ ખેડૂતોના નાણાની આ જ રીતે ઉચાપત થઇ હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે,ત્યારે આ મામલે સત્ય શું તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.