Mysamachar.in-ગુજરાત:
જન્માષ્ટમીથી શરૂ કરીને નૂતન વર્ષનાં પ્રારંભ સુધી, જામનગર સહિત દેશભરમાં કરોડો દેશવાસીઓ ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત રહેતાં હોય છે, સર્વત્ર ઉમંગ હોય છે. દરમિયાન, આજે સવારે રિઝર્વ બેન્ક દ્વારા કરોડો દેશવાસીઓને એક આંચકો આપવામાં આવ્યો છે ! જો કે, આમ થશે જ – એવું છેલ્લાં બે-ત્રણ દિવસથી ચર્ચાઈ રહ્યું હતું જ. રિઝર્વ બેન્કે વ્યાજદરમાં વધારો કર્યો છે, જેને કારણે હોમલોન સહિતની તમામ લોન્સ મોંઘી થશે. કરોડો દેશવાસીઓ માટે આ માઠાં સમાચાર છે. કેમ કે, એક તરફ કાળઝાળ મોંઘવારી અને બીજી તરફ લોન મોંઘી થતાં દેશવાસીઓએ ખિસ્સામાંથી વધુ નાણાં ખર્ચ કરવા પડશે !
ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠક હમણાં થોડીવાર પહેલાં પૂર્ણ થયાં પછી, રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, રિઝર્વ બેન્ક પાસેથી નાણાં મેળવવા બેન્કોએ વધુ વ્યાજ આપવું પડશે. તેથી સ્વાભાવિક રીતે જ, બેન્કો લોનધારકો પાસેથી વસૂલવામાં આવતાં વ્યાજદરમાં વધારો કરશે. આમ થતાં હોમલોન સહિતની તમામ લોન્સ મોંઘી થશે.
રિઝર્વ બેન્કે રેપો રેટનો દર 5.40 હતો તે વધારીને 5.90 જાહેર કર્યો છે. આ વર્ષ દરમિયાન, આ ચોથી વખત લોન્સ મોંઘી થવા પામી છે, જેને કારણે કરોડો દેશવાસીઓ પરનો વ્યાજદરનો બોજ અતિ આકરો બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. મોંઘવારી તથા ફૂગાવાના વધતાં જતાં પરિબળો ધ્યાનમાં રાખી, રિઝર્વ બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવું થશે જ, એવાં રિપોર્ટ છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં ચમકી રહ્યા હતાં.


























































